- મહામારી વચ્ચે માનવ જિંદગી સાથે ખિલવાડ કરનારા તત્વો સક્રિય
- 42,500 રૂપિયા ચૂકવવા છતાં પણ ઇન્જેક્શન ન આપીને કરી ઠગાઈ
- ઇન્જેક્શન ન મળતા સારવાર લઇ રહેલા દર્દીનું થયું મોત
વલસાડ: કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવી મહામારી વચ્ચે માનવ જિંદગી સાથે ખીલવાડ કરનારા કેટલાક તત્વો પોતાના આર્થિક લાભ માટે સક્રિય થયા છે. પોતાના દર્દીને બચાવવા માટે જરૂરી દવા મેળવવા પરિવાર રીતસર રઝળપાટ કરી રહ્યા છે. પારડી પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ લોકો માટે આંખ ઉઘાડનારી છે.
સંઘ પ્રદેશ દમણના પરિવારને ઇન્જેક્શન માટે વલસાડનો ઠગ ભેટી ગયો
સંઘપ્રદેશ દમણ ખાતે રહેતા માર્ગેશભાઈ જયરામભાઈ પટેલની કોરોના લક્ષણ હોવાથી તબિયત લથડતા 25 એપ્રિલે તેમને વાપી ખાતે આવેલી શ્રદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. દરમિયાન સારવારમાં દર્દીને ટોસિલીઝુમેબ નામક ઇન્જેક્શનની જરૂર પડતા તેમના પરિવારે વલસાડ ખાતે પારડી સાંઢપોર, લક્ષ્મીનારાયણ બિલ્ડીંગ A વિંગ, ફ્લેટ નંબર 209માં રહેતા હેમંત વાલજીભાઈ સાવરિયાનો સંપર્ક કરવામાં આવતા તેણે ટોસિલીઝુમેબ ઇન્જેક્શન મેળવી આપીશ તેમ કહ્યું હતું.
આ પણ વાંચો:સુરતમાં 40 હજારનું ટોસિલિઝૂમેબ ઈન્જેક્શન 2.70 લાખ રૂપિયામાં વેચતો નર્સના પિતા ઝડપાયો
ઇન્જેક્શન 45,000નું આવશે તેમ જણાવીને અડધી રકમ તાત્કાલિક માગી હતી
આરોપીઓએ ફરિયાદીના સગાને આ ઇન્જેક્શન 45,000નું આવશે તેમ જણાવીને અડધી રકમ તાત્કાલિક માગી હતી. જેથી તેના એકાઉન્ટમાં પરિવારે 22,500 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. મની ટ્રાન્સફર થયાના બે દિવસ પછી તમારું ઇન્જેક્શન આવી ગયું છે તેમ જણાવ્યું હતુ. બાકીની રકમ માંગતા પરિવારે બીજા 20,000 આરોપી હેમંત સાવરિયાના ખાતામાં મોકલી આપ્યા હતા. જોકે, ત્યારબાદ ઇન્જેક્શન માટે પરિવાર ફોન કરતા હેમંત સાવરિયાએ જુદા-જુદા બહાના બતાવીને વાતને ઠેલવી હતી.