- નારગોલ બીચ પર મળી આવ્યો ડોલ્ફિનનો મૃતદેહ
- વનવિભાગે પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપ્યો
- એક વર્ષમાં ત્રીજી વાર મળ્યો મૃતદેહ
નારગોલ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનો કાંઠા વિસ્તાર વર્ષોથી ડોલ્ફીન માટેનો વિસ્તાર ગણવામાં આવે છે. આ દરિયાઇ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં 3 મૃત ડોલ્ફીન મળી આવી છે. મંગળવારે ત્રીજી ડોલ્ફિનનો મૃતદેહ મળતા પર્યાવરણવાદીઓ તેમજ પશુ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
નારગોલના દરિયા કિનારે મૃત ડોલ્ફિનને અગ્નિદાહ અપાયો આ પણ વાંચોઃ નારગોલના માલવણ બીચ ખાતે મૃત ડોલ્ફિન મળી, આ બીચ ડોલ્ફિનનો આવાસ હોવાનું ફરી સાબિત થયું
આઠ ફૂટ જેટલી લાંબીડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી
ઉમરગામ તાલુકાના નારગોલ ગામે મંગળવાર રાત્રીની ભરતી સમયે માલવણ બીચ નજીક આઠ ફૂટ જેટલી લાંબી ડોલફીન મૃત હાલતમાં કિનારે આવી હતી. વનવિભાગને ગામના જાગૃત નાગરિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેને લઇ વનવિભાગના ACF જીનલબેન, RFO પિ.યુ પરમાર, વનરક્ષક કલ્પેશભાઈ માળી, વેટરનરી ડોક્ટર હસમુખભાઈ ચૌધરી સહિતની ટીમ નારગોલ ખાતે આવી મૃત ડોલ્ફિનનો કબજો લીધો હતો.
મૃત ડોલ્ફિનને અગ્નિદાહ અપાયો
વનવિભાગની ટીમે પંચકેસ કરી વેટરનરી ડોકટર દ્વારા પી.એમ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ડોલ્ફિન શિડયુલ એકનું પ્રાણી હોવાથી વનવિભાગના ACFની હાજરીમાં મૃત ડોલ્ફિનને જરૂરી પંચકેસ PM કાર્યવાહી બાદ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. વનવિભાગના કર્મચારીઓ દ્વારા લાકડાની ચિત્તા તૈયાર કરી મૃત ડોલ્ફિનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ નવસારીની પૂર્ણા નદીમાં હમ્પબેક ડોલ્ફિન માછલીઓની લટાર
મૃત પ્રાણીમાં વાયરસ પણ હોઈ શકે
આ અંગે ACF અધિકારીએ જણાવ્યું હતું કે,ડોલ્ફિન શિડયુલ 1 પ્રાણી હોવાથી સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રાણીનું મૃત્યુ થવાનું કારણ કોઈ ગંભીર વાયરસ પણ હોઈ શકે છે. જેનો ફેલાવો શ્વાન કે અન્ય પશુ પક્ષીમાં નહિ ફેલાય એની તકેદારીના ભાગ રૂપે મૃત્ ડોલ્ફિનને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. નારગોલ માલવણ ખાતે છેલ્લા એક વર્ષમાં કુલ ત્રણ જેટલી ડોલ્ફીન મૃત અવસ્થામાં તણાઈ આવી છે. જેને લઈને પર્યાવરણ વાદીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.