વલસાડઃ જિલ્લા કલેક્ટર આર. રાવલ અને પુરવઠા અધિકારીની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપરાડા વિધાનસભામાં યોજાવા જઈ રહેલી પેટા ચૂંટણીની તૈયારી અંગેની વિશેષ માહિતી આપવામાં આવી હતી.
કપરાડા વિધાનસભામાં કોરોના કાળમાં યોજાવા જઈ રહેલી ચૂંટણી અંગે વિશેષ એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે. જેના દ્વારા કોરોના પોઝિટિવ દર્દી પણ મતદાન કરી શકે એ માટે બી.એલ.ઓ. દ્વારા તેમના નિવાસસ્થાને વ્યવસ્થા કરવામાં આવશે. તેમની સાથે-સાથે 80 વર્ષથી ઉપરના મતદારો મતદાન કરી શકે તે માટે બી.એલ.ઓ. દ્વારા 12-D નામનું ફોર્મ ઇશ્યૂ કરવામાં આવશે.
કોરોના મહામારીમાં વિશેષ એક્શન પ્લાન સાથે કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે ગત વર્ષે ચૂંટણીમાં મતદાન બુથોની સંખ્યા 300 જેટલી હતી. જે હાલમાં કોરોનામાં વધીને 375 મતદાન મથકો થયા છે. કપરાડા વિધાનસભામાં 130 જેટલા કપરાડાના ગામ, 8 જેટલા પારડીના ગામ અને 16 જેટલા વાપીના ગામનો સમાવેશ થાય છે. કપરાડામાં પુરૂષ મતદારોની સંખ્યા 1,24,519 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 1,21,213 છે. ઉપરાંત કુલ મતદારોની સંખ્યા 2,45,736 ઉપર પહોંચી છે. ચૂંટણીની તારીખ 3-11-2020 છે અનેે મતગણતરીની તારીખ 12-11-2020 છે.
ચૂંટણી દરમિયાન 748 પોલીસ, 2406 સરકારી કર્મચારી મળી કુલ 3,793 જેટલા વહીવટી તંત્રનો સ્ટાફ કામગીરી બજાવશે. આ વખતે પ્રથમ વાર ઉમેદવાર પોતાનું ફોર્મ ઓનલાઈન જમા કરાવી શકશે અને સાથે-સાથે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારે કચેરીમાં ફોર્મ ફિઝિકલી ઉપસ્થિત રહીને જમા કરાવવાનું રહેશે.
મહત્વનું છે કે, દરેક ઉમેદવાર ચૂંટણીમાં આ વખતે અંદાજીત રૂપિયા 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે અને દરેક ઉમેદવારના ખર્ચનો હિસાબ વલસાડ જિલ્લા TDO રાખશે. આ સાથે જ ટીમ જે-તે વિસ્તારમાં કાર્યરત રહેશે. જો કોઈપણ વ્યક્તિને નાણાકીય લેવડદેવડ અંગેની શંકા જણાય તો તેવા સમયે મોબાઇલ એપ ઉપરથી પણ ચૂંટણી અધિકારી કે વહીવટી તંત્રને આ સમગ્ર બાબતે જાણકારી આપી શકશે.