- વાપી પાલિકાના વોર્ડ 7માં બહુધા પરપ્રાંતીય મતદારો છે
- વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ મનાય છે
- 3 ટર્મથી મુખ્ય કહી શકાય તેવા તમામ વિકાસના કામ થયા છે
વલસાડ: વાપીમાં (Vapi Municipality Election 2021) 11 વોર્ડની 44 બેઠકો પૈકી 1 બેઠક ભાજપના ફાળે બિનહરીફ મેળવ્યા બાદ 28મી નવેમ્બરે 11 વોર્ડની 43 બેઠકો માટે મતદાન થવાનું છે. વાપી પાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 7માં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીઓ જંગ (a battle between Congress and BJP and AAP candidates) છે. વોર્ડ નંબર 7માં ભાજપે દિલીપ યાદવ, મનીષા મહેતા, મુકુન્દા પટેલ અને સતીશ પટેલ નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.
કોંગ્રેસે આ વોર્ડ માટે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી
વોર્ડ નંબર 7 ભાજપનો ગઢ અહીં દિલીપ યાદવ અને મુકુન્દા પટેલ અગાઉની 2 ટર્મ 1900થી 2500 મતની લીડ સાથે જીત મેળવતા આવ્યા છે. મુકુન્દા પટેલ ગત ટર્મમાં વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ હતાં. કોંગ્રેસે આ વોર્ડ માટે શિક્ષિત ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં હિના ગોહિલ, રામ પાલ અને નિલેશ પટેલને ટીકીટ આપી છે. આ વોર્ડમાં અન્ય એક મહિલા ઉમેદવારે પણ કોંગ્રેસ તરફથી ફોર્મ ભર્યા બાદ ભાજપને સમર્થન આપવા ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસની પેનલ તૂટી છે. માત્ર 3 જ ઉમેદવાર છે. તો આપ પાર્ટીમાંથી અરવિંદ યાદવ, જીતેન્દ્રસિંગ ઠાકુર, નિર્મલા પરમાર અને રોશની સુરતી નામના ઉમેદવારોની પેનલ રચી છે.
મતદારો ભાજપના સૈનિક ગણે છે: દિલીપ યાદવ
ગત ટર્મમાં વોર્ડ નંબર 7ની ચૂંટણીમાં વિજય મેળવી હાલ ફરી ઉમેદવારી કરી રહેલ દિલીપ યાદવે જણાવ્યું હતું કે, અગાઉની ટર્મમાં મતદારોએ 1900 મતની લીડ અપાવી હતી. ગત ટર્મમાં આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ લોકોને આવાસ આપ્યા છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને ગંભીર બીમારીમાંથી છૂટકારો અપાવ્યો છે. પ્રાથમિક જરૂરિયાત ગણાતા રસ્તા- ગટરના સારા કામ કર્યા છે. સ્થાનિક મતદારો ભાજપના સૈનિક ગણે છે અને આ વખતે પણ ભાજપને જ મત આપવાનો કોલ આપી રહ્યા છે.
દરેક કામ પૂર્ણ કર્યા હોય ભાજપ પાછલી ટર્મથી પણ વધુ લીડ મેળવશે: મુકુન્દા પટેલ
ગત ટર્મમાં પાલિકાના ઉપપ્રમુખ રહી ચૂકેલા મુકુન્દા પટેલે જણાવ્યું હતું કે, ઉપપ્રમુખ પદે રહ્યા બાદ વોર્ડ નંબર 7માં ખૂબ જ સારા વિકાસના કામ કર્યા છે. વરસાદી પાણી ભરવાની સમસ્યામાંથી છુટકારો અપાવ્યો છે. પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવા દરેક કામ પૂર્ણ કર્યા છે. મતદારોએ અમારી પર સેવેલી આશા અપેક્ષામાં અમે ખરા ઉતર્યા છીએ. એટલે પાછલી ટર્મથી પણ વધુ લીડ સાથે આ વખતે પણ વોર્ડ નંબર 7માં વિજય થઈશું.