વલસાડ: કપરાડાના ગાઢવી ગામે અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત સ્કૂલના બાળકોને દર 6 મહિને 30 કિલો જેટલું અનાજ આપવામાં આવે છે. પરંતુ ગત 6 મહિનાથી બાળકોને અનાજ મળ્યું નથી. આ સમગ્ર બાબતે ETV BHARATની ટીમે સ્થળ ઉપર જઇ ચકાસણી કરતાં હકીકત સામે આવી હતી કે, 17 જેટલા બાળકોને ગત 6 માસથી અન્ન ત્રિવેણી યોજના અંતર્ગત અનાજ આપવામાં આવ્યું નથી.
કપરાડાના ગાઢવી ગામે 27 બાળકો 6 મહિનાથી અનાજથી વંચિત - કપરાડા ન્યૂઝ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આદિવાસી વિસ્તારમાં આવેલી અનેક સસ્તા અનાજની દુકાનોમાં વર્ષોથી અનાજ બારોબાર વેચાઈ જાય છે અને આદિવાસી સમાજના લોકોને સરકાર તરફથી આપવામાં આવતું અનાજ મળતું નથી. જેથી ગાઢવી ગામમાં રહેતા એક અગ્રણીએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી છે કે, ગત 6 માસથી 30 જેટલા BPL કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવ્યું નથી.
કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ગાઢવી વિસ્તારમાં આવેલા ધારણમાળ ફળિયામાં રહેતા સંપતભાઈ કાસુએ મામલતદારને અરજી કરી જણાવ્યું હતું કે, ફળિયામાં રહેનારા 30 જેટલા BPL કાર્ડા ધારકોને ગત 6 માસથી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ આપવામાં આવ્યું નથી. આ સાથે જ સ્કૂલમાં અભ્યાસ કરનારા 27 જેટલા બાળકોને અન્ન ત્રિવેણી યોજના હેઠળ આપવામાં આવતું અનાજ પણ 6 મહિનાથી આપવામાં આવ્યું નથી.
આ સમગ્ર મુદ્દે સસ્તા અનાજની દુકાનનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ દુકાને તાળા મારેલા હતાં. જેથી સ્થાનિકોએ જણાવ્યું કે, દુકાનદાર ક્યારેક જ દર્શન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, દુકાનદાર તેમના ઓળખીતા લોકોને જ અનાજ આપે છે.