વલસાડ : નારગોલ ગામમાં નવા તળાવ વિશ્વનાથ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે અને મંદિરના પાટોત્સવ પ્રસંગે સવારથી મહાદેવની વિધિવત પુજા-અર્ચના કરવામાં આવી હતી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શિવભક્તો મહાદેવના શિવલિંગના દર્શને આવ્યાં હતા. શિવભક્તોએ મહાદેવને પ્રસન્ન કરવા હેતુ વિદ્વાન પુરોહિત થકી વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી. તથા અંતિમ ભાગની પૂજા અર્ચનામાં ધ્વજાનુ આરોહણ કરવા બાબતે મંદિરની ધજાની બોલી બોલવામાં આવી હતી.
નારગોલના વિશ્વનાથ મહાદેવના 11માં પાટોત્સવમાં વિદેશીઓએ કરી મહાદેવની પૂજા
યુપી વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને અનુરૂપ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે દસ વર્ષ પહેલા વિશ્વનાથ મહાદેવનું મંદિર પ્રસ્થાપિત કરવામા આવ્યા બાદ શુક્રવારે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર 11મો પાટોત્સવ ઉજવાયો હતો. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પેરિસથી ખાસ વિદેશીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
જે ખતલવાડના રોહિત સમાજ દ્વારા 12,500ની ઉંચી બોલી બોલીને મંદિરનું ધ્વજારોહણ કર્યું હતું. નારગોલના આ વિશ્વનાથ મહાદેવ મંદિરે છેલ્લા દસ વર્ષથી દર શિવરાત્રી અને પાટોત્સવ પ્રસંગે પેરિસના 10 થી 15 વિદેશી મહેમાનો મહાદેવની મહિમા અને પૂજા અર્ચનામાં ગામના આમંત્રણને માન આપી પધારે છે. આ વખતના 11 માં પાટોત્સવ અંતર્ગત પણ પેરિસના મહેમાનો ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં.જેમાં મહાદેવના આ પર્વ નિમિત્તે અઢી હજાર જેટલા ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો પણ હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરમાં દસ વર્ષથી શિવલિંગ ફરતે મહાદેવના છત્રને અનુરૂપ તાંબા પિત્તળના શેષ નાગનું કવચ મૂકવામાં આવી રહ્યું છે. જે વર્ષના મધ્યભાગમાં અચાનક મોટું થઈ જતું હોવાની ઘટના બનતા અહીંના લોકોમાં મહાદેવ પ્રત્યે એક વિશેષ આસ્થાનો વિષય બન્યો છે