વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્રનો ઇજારો ધરાવતી નડિયાદની ખાનગી એજેન્સી ખુશ્બુ ટ્રેડિંગ કંપનીમાં ફરજ બજાવતા શિનોર સહિત કરજણ ,પાદરાના જનસેવા કેન્દ્રના ઓપરેટરો 2 દિવસથી જનસેવા કેન્દ્રની તમામ પ્રકારની કામગીરીથી અડગ રહીને 2 દિવસથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે .જેના કારણે જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ રહેતા શિનોર તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓને પગાર નહીં મળતા ઉતર્યા હડતાળ પર વડોદરા જિલ્લાના જનસેવા કેન્દ્રનો ઈજારો ધરાવતી નડિયાદની ખાનગી ખુશ્બૂ ટ્રેડિગ કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા સ્ટાફના માણસો નોકરી પર નભતા કર્મચારીઓને જીવન નિર્વાહ માટે કટોકટી સ્થિતીનુ નિર્માણ ઉભુ થયુ છે ,ઓછો પગાર અને તેમાં 4 માસનો પગાર બાકી હોવાના કારણે જનસેવા કેન્દ્રના કર્મચારીઓના પરિવાર સંકટમાં મુકાઈ ગયા છે.
જેના કારણે ખાનગી ઇજારદાર દ્વારા છેલ્લા 4 માસથી પગાર નહિ ચૂકવાતા ત્રાહિઆમ પોકારી ઉઠેલા શિનોર મામલતદાર કચેરીના સ્ટાફના માણસો 2 દિવસથી જનસેવા કેન્દ્રના તમામ પ્રકારના કામકાજથી અડગ રહીને ખાનગી ઇજારદાર ખુશ્બૂ ટ્રેડિંગ કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી ઇજારાદાર દ્વારા પગાર ચુકવવામાં નહિ આવે ત્યાં સુધી જનસેવા કેન્દ્રના કામકાજનો બહિષ્કાર કરીને હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.
જેના કારણે શિનોર મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં શિનોર તાલુકાના અંતરિયાળ ગામોમાંથી આવક ,જાતિના અને રેશનકાર્ડ સહિતના કામકાજ માટે આવતા અરજદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેના કારણે અરજદારોમાં પણ રોષ વ્યાપી જવા પામ્યો હતો.
ત્યારે ખાનગી એજેન્સીના કારણે જનસેવા કેન્દ્રના સ્ટાફના માણસોને હડતાળ કરવા મજબુર કરનાર અને ખાનગી એજન્સીના કારણે તાલુકાના અંતરિયાળ ગામમાંથી આવતા અરજદારોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે એ સાંખીના લઈ તંત્ર દ્વારા નડિયાદની ખાનગી એજેન્સી ખુશ્બૂ ટ્રેડિંગ કંપનીના ઇજારાદારને બદલીને અન્યને કામગીરી સોંપવામાં આવે એવી લોક માંગ કરવામાં આવી હતી.