ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં લોકડાઉનનું ઉલ્લંઘન, ભજીયાની લારી પર ભીડ જામી હોવાનો વીડિયો થયો વાયરલ - gujrat corona

કોરોનાની મહામારીમાં જાહેર કરેલા લોકડાઉન દરમિયાન વડોદરાના યાકુતપુરામાં ભજીયાની લારી ખુલ્લી હોવાથી લોકોની ભીડ જામી હોવાનો વીડિયો વાયરલ થતાં લોકડાઉનનો ભંગ થયો હતો. જોકે, શહેર પોલીસે તત્કાલ એક્શન લઈ લારી ચલાવતાં ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ભજીયાની લારી પર ભીડ જામી હોવાનો વીડિયો થયો વાયરલ
વડોદરામાં લોકડાઉનનું ઉલ્લંઘન

By

Published : Apr 18, 2020, 1:46 PM IST

વડોદરાઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં 3 મે સુધી લોકડાઉન લંબાવ્યું છે. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ સતત રસ્તા પર ઉભી છે અને કામ વગર બહાર નિકળનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તો બીજી તરફ પોળ,ગલીઓ અને સોસાયટીઓમાં એકત્ર થતાં બેજવાબદારોને પકડવા ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વડોદરાના યાકુતપુરામાં ધમધમતી ભજીયાની લારી સુધી શહેર પોલીસ કે ડ્રોન કેમેરા પણ ન પહોંચી શક્યા. આખરે લારી પર ગરમા ગરમ ભજીયા વેચાતા હોવાનો વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી.

વડોદરામાં લોકડાઉનનું ઉલ્લંઘન, ભજીયાની લારી પર ભીડ જામી હોવાનો વીડિયો થયો વાયરલ

દેશભરમાં કોરોના વાઇરસનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 145 પર પહોંચી છે અને સાત દર્દીઓના મોત નિપજ્યાં છે. આવી વિકટ પરિસ્થિતિમાં પોલીસ લોકડાઉનનું પાલન કરાવવા માટે રસ્તા પર ઉતરી છે. પોલીસ વાહનોમાં સતત પેટ્રોલીંગ તથા ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું હોવાનો પોલીસ દાવો માંડી રહીં છે. પરંતુ શહેરના સંવેદનશીલ વિસ્તાર એવા યાકુતપુરામાં દિવસ દરમિયાન ધમધમતી ગરમા ગરમ ભજીયાની લારી ચાલુ રાખતા લોકોની ભીડ એકઠી થઇ હતી. લારી પર કેટલાક લોકો ઉભા રહી ભજીયા ખાતા હતા તો કેટલાક પાર્સલ લેવા માટે પહોંચ્યાં હતા.

એક તબક્કે પોલીસના સાઇરન સાથેની જીપ લારીથી સામાન્ય દૂરી પરથી પસાર થઇ રહી હતી. છતાંય લારીના સંચાલકે કડાઇમાંથી ભજીયા ઉતારવાનું બંધ ના કર્યું. લોકો લારી પર ઉભા રહી ભજીયાની મજા માણી રહ્યાં હતા. જો કે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થવાથી શહેર ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આ બાબત આવતા આખરે મિનારા મસ્જિદ પાછળની ગલીમાં રહેતા ઇરફાન ગુલામ મોહમ્મદ શેખની સામે લોકડાઉન અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details