વડોદરા : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના કાર્યક્રમને લઈ બેનર લગાવતા કરંટ લાગતા મોત નીપજ્યું હોવાના આક્ષેપો યુવકના પરિવારજનો કરી રહ્યા છે. આ ઘટના ગત સમી સાંજે ઘટી હતી. શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ખાતે આજે કાર્યકમને લઈ સામે આવેલા પાર્ટી પ્લોટમાં બેનર લગાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકના પરિવારજનોની માંગ છે કે યોગ્ય કાર્યવાહી અને ન્યાય મળે. આ અંગે મૃતક યુવકના મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જ્યાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાર્ટી પ્લોટવાળાની નિષ્કાળજીના કારણે આજે મારા મોટાભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમના ઘણા માણસો ત્યાં ઉભા હતા. તેમ છતાં કોઇએ અમને જાણ નહોતી કરી કે અહીં કરંટ લાગે છે. અમે બેનર લઇને ત્યાં ગયા તો અમને કોઇએ રોક્યા પણ નહોતા. કરંટ લાગતા અમારું બેનર નમી ગયું હતું. જેથી મારો મોટોભાઈ સંજય ઉર્ફે સચીનને કરંટ લાગતા તે ચોંટી ગયો હતો અને બૂમો પાડીને કહ્યું હતું કે, તમે લોકો છોડી દો અહીં કરંટ લાગે છે. અમે બેનર છોડી દીધું. પરંતુ, તેઓ છોડવા ગયા અને તેમના છૂટ્યું નહીં અને તેમનો એક હાથ પકડાઈ ગયો હતો. જેથી અમે બુમાબુમ કરી મૂકી હતી અને રડવા લાગ્યાં હતાં અને છોડાવવાના પ્રયાસો શરૂ કર્યાં હતાં. પણ તેમને છોડાવવા માટે કંઇ મળ્યું નહોતું...નીલેશ કહાર(મૃતકના ભાઇ)
એમસીબી બંધ કરવામાં ન આવી :મૃતકના ભાઇએ વધુમાં કહ્યું કે પાર્ટી પ્લોટમાં હાજર લોકોએ એમસીબી બંધ કરવાનું વિચાર્યુ નહોતું. બે મિનીટ સુધી મારો ભાઈ તરફડિયા મારી રહ્યો હતો. મારા માસીના છોકરાએ કહ્યું હતું કે, તેને કંઇક માર, પણ મારવા માટે કંઇ મળ્યું નહોતું. ત્યાં બધું લોખંડ જેવી વસ્તુઓ જ પડી હતી અને પછી મેં બુમો પાડી હતી કે, કોઈ એમસીબી બંધ કરો. પછી કોઇએ જઇને એમસીબી બંધ કરી હતી. ત્યારબાદ અમે મારા ભાઇ પાસે ગયા હતા. પણ તે કોઇ મુવમેન્ટ કરી રહ્યો નહોતો. જેથી કોઇએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જો કે, 108ને આવતાં 10થી 15 મીનીટ જેટલો સમય લાગ્યો હતો. આ સમય દરમિયાન મારા ભાઇનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
યોગ્ય ન્યાયની માગણી કરી : તેઓએ ઉમેર્યુ હતું કે, બે સ્થાનિક ડોક્ટર આવ્યા હતાં અને તેઓએ ભાઇને ચેક કર્યો હતો અને મુવમેન્ટ છે તેમ કહીને 108 એમ્બ્યુલન્સમાં લઇ જાવ તેમ કહ્યું હતું. તેણે મારા ભાઈના મોઢામાં હાથ નાખીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ન તો તેમની આંખ ફરી છે કે ન તો તેમના મોઢામાંથી કોઈ અવાજ આવ્યો છે. ભાજપના બેનર્સ લગાવવા અમે ગયા હતાં અને આ ઘટના બની હતી. હું આખી રાત ઊંઘ્યો નથી, આંખો બંધ કરું તો મારો ભાઈ જ દેખાય છે. મારા ભાઈના મૃત્યુ અંગે યોગ્ય કાર્યવાહી કરીને ન્યાયની મારી માંગણી છે.
- Nadda Gujarat Visit: ગરીબના નામે મત લેતી પાર્ટી એ ગરીબોને જ લૂંટવાનું કામ કર્યું
- J.P.Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા ગુજરાત સભા સંબોધશે, વડોદરામાં બાઈક રેલી
- Amarnath Yatra: વડોદરાના 20થી વધુ યાત્રિકો અમરનાથ યાત્રામાં ફસાયા, ઠંડીથી હાલત કફોડી, જલ્દી રેસ્ક્યુ કરવા વીડિયો દ્વારા અપીલ