વડોદરા : સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરને લઈ સરકાર દ્વારા પારાવાર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની વચ્ચે કેટલાક વિસ્તારમાં પશુપાલકોની દાદાગીરી પણ સામે આવી રહી છે. ત્યારે ગત મોડી રાત્રે VMC ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઢોર પાર્ટી દ્વારા કબ્જે કરવામાં આવેલા ઢોરને પણ પશુપાલકો છોડાવી જાય છે. પશુપાલકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીને ગડદાપાટુનો માર માર્યો હતો. સમગ્ર બાબતે વિડિઓ વાયરલ થયો છે. જેમાં કોંગ્રેસના વોર્ડ 1ના કોર્પોરેટર જહાં ભરવાડ પણ અભદ્ર વર્તન કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર મામલે ઢોર પાર્ટીએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કર્મચારીઓને માર મારી ગાયને મુક્ત કરી :આ મામલે ઢોર પાર્ટીના સુપરવાઇઝર દ્વારા ફતેગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત મોડી રાત્રે ઢોર પાર્ટી અને પોલીસ સ્ટાફના માણસો રખડતા ઢોરને પકડવા નીકળ્યા હતા. આ દરમિયાન કંટ્રોલ રૂમમાંથી ફરિયાદ મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ પર ગાયો બેઠેલી છે. ઢોર પાર્ટીએ આ બાબતે ત્યાં પહોંચતા પહેલા મિલીટ્રી બોયઝ ચાર રસ્તા પાસે એક ગાય જાહેર રોડ પર જોવા મળતા તેનો પીછો કરી ચિસ્તીયા ચાર રસ્તાથી પકડી લીધી હતી. ત્યારબાદ ટ્રેક્ટરની રાહ જોતા હતા, ત્યારે ગયાનો મલિક નંદુ ભરવાડ આવી જેમ તેમ બોલી ગાયને છોડવા માટે ઝપાઝપી કરી બુમાબમ કરી હતી. જેથી અન્ય સાતથી આઠ ભરવાડ શખ્સો પોતાના હાથમાં લાકડાની ડંડાઓ લઈને આવ્યા હતા. ઢોર પાર્ટીના કર્મચારી રોહન ગણેશ લોખંડેના હાથમાં લાકડીથી માર માર્યો હતો. સાથે નંદુ ભરવાડે પણ મને ખૂબ જ માર માર્યો હતો અને ગાયને છોડાવી ગયા હતા.
સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ : આ સમગ્ર મામલો ગત મોડી રાત્રે સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર જહા ભરવાડ પણ નજરે પડી રહ્યા છે અને તેઓ ઢોર પાર્ટીના કર્મચારીઓ સામે અભદ્ર વર્તન કરી રહ્યા છે. "આ મારા ભાઈઓ છે, શા માટે અહીં આવ્યા છો" તેવું કહી રહ્યા છે. હાલમાં સમગ્ર મામલે ફતેગંજ પોલીસે નંદુ ભરવાડ સહિત સાતથી આઠ શખ્સો સામે મારપીટ અને ફરજમાં રૂકાવટ અંગેની કલમોના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.