વડોદરા : વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીના આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) અને ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની બિનહરીફ વરણી થતા આગામી બે માસ માટે બરોડા ડેરીને નવા પ્રમુખ અને ઉપપ્રમુખ મળ્યા છે. સર્વાનુમતે વરણી થતાંજ શુભેચ્છકો દ્વારા ફટાકડા ફોડી અને ફુલહાર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.
આગામી બે માસ માટે વરણી : બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં અગાઉથી જ નક્કી કરેલ જિલ્લા ભાજપા પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલજીની ઉપપ્રમુખ પદે બિનહરીફ વરણી થતા આગામી બે માસ માટે કાર્યભાર સાંભળ્યો છે. આ બંને સર્વાનુમતે નામ જાહેરાત થતા જ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો Gandhinagar News : વડોદરા જિલ્લાના સહકારી આગેવાનોએ ભાજપ સાથે 'હાથ' મિલાવી લીધો
હવે આંદોલનનો અંત નિશ્ચિત : બરોડા ડેરી સામે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પશુપાલકોના હિત માટે આંદોલન કરતા પ્રમુખ તરીકે પદભાર સાંભળતા જી બી સોલંકીએ એકાએક રાજીનામુ ધરી દીધું હતું. સાથે વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાદરા વિધાનસભા બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલએ બળવો કરીને ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદમાં આ વિવાદ આગળ વધતાં ઉપપ્રમુખ જી બી સોલંકીએ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. આખરે આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.