માંડવી વિસ્તારની બેન્ક ઓફ બરોડામાં લાગી ભીષણ વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડાના રેકોર્ડ રુમમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં છવાઈ ગયા હતા. આ આગ અકસ્માતમાં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ આઘટના સ્થળે દોડી આવી હતી. સતત પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઉપરાંત પોલીસ અધિકારીઓ અને સત્તાધીશો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા.
મેજર કોલઃ મકરસંક્રાંતિ પર્વની રજા હોવાથી બેન્કના મુખ્ય દરવાજા ઉપર તાળું લાગેલું હતું. ફાયર બ્રિગેડની ટીમે શરૂઆતમાં આસપાસની બારીઓમાંથી પાણીનો મારો ચલાવ્યો,પરંતુ આગ કાબૂમાં આવી નહીં. આગ ખૂબ જ ભીષણ આગ હોવાથી ફાયર બ્રિગેડની ટીમે બેન્કના મુખ્ય દરવાજાનું તાળુ તોડ્યું હતું. બેન્કની અંદર પ્રવેશ કરીને સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે બેન્કના રેકોર્ડ રુમમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. વડોદરા ફાયર બ્રિગેડે આ ઘટના સંદર્ભે મેજર કોલ જાહેર કર્યો હતો. બેન્કમાં ઉત્તરાયણની રજા હોવાથી સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
બેન્ક ઓફ બરોડાની માંડવી શાખામાં શોર્ટ સર્કિટ થતાં આ આગ લાગી હતી. સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને હાલ વેન્ટિલેશનની કામગીરી ચાલી રહી છે, સદનસીબે બેન્ક ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ કે સિલકને કોઈ મોટું નુકસાન થયું નથી...પાર્થ બ્રહ્મભટ્ટ (ચિફ ફાયર ઓફિસર, વડોદરા)
બેન્ક ઓફ બરોડાની શાખામાં એક એસીમાં શોર્ટ સર્કિટ થતાં કનેક્ટિવિટીમાં રહેલા બધા એસી અને ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ્સમાં આગ લાગી હતી. માત્રને માત્ર ગ્રાઉન્ડ ફલોર પર આ આગે નુકસાન કર્યુ છે. ગ્રાઉન્ડ ફલોર પર થતા ક્લેરિકલ વર્કમાં ઉપયોગમાં લેવાતા સાધનો ડેસ્ક, કોમ્પ્યૂટર્સ વગેરેને નુકસાન પહોંચ્યું છે. આ આગને કાબૂમાં લેવાઈ ચૂકી છે. અત્યારે માત્ર વેન્ટિલેશનની કામગીરી ચાલી રહી છે...પિન્કી સોની(મેયર, વડોદરા)
સીક્યૂરિટી સિસ્ટમનો અભાવઃસ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ બેન્ક ઓફ બરોડા સયાજીરાવ ગાયકવાડના સમયની શાખા છે. આ શાખામાં સીક્યુરિટીનો ખૂબ જ અભાવ જોવા મળે છે. જ્યારે આગ લાગી ત્યારે સ્થળ ઉપર કોઈ સીક્યુરિટી હાજર ન હતા. અત્યારે ટેકનોલોજીને લઈને સાયરન સીક્યુરિટી થી લઈને અનેક પ્રકારની સીક્યુરિટી ઈક્વિપમેન્ટ જોવા મળતા હોય છે. જે આ ઈમારતમાં નહતા. ફાયર સેફ્ટીને લગતા અનેક ઈક્વિપમેન્ટ્સનો પણ અભાવ હોવાનું બહાર આવ્યું છે.
- સુરતમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી, અનેક કામદારો દાઝ્યા
- મુન્દ્રાના જૂના બંદરે ચોખા ભરેલા જહાજમાં આગ લાગી, ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબૂ મેળવાયો