વડોદરા : શહેરમાં ચાલતા દારૂના વેપલાને લઈ નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ તંત્ર દ્વારા નિષ્ફળ પ્રયાસો જોવા મળતા હોય છે. પોલીસ તંત્ર દ્વારા પારાવાર બુટલેગરો પર ચાંપતી નજર હોવા છતાં પણ શહેરના બુટલેગરો બેફામ રીતે દારૂનો વેપલો કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વડોદરા શહેર પીસીબી પોલીસે વડોદરાના વડસર બ્રીજથી કલાલી રોડ વચ્ચે આઇસર અને ભાયલી ગામ પાસે આવેલા ગોડાઉનમાંથી કુલ રૂપિયા 59 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે કુલ રૂપિયા 81 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય પાંચ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે બીશ્નોઈ ગેંગના આ સાગરીતો હોવાનું હાલમાં સામે આવ્યું છે.
કેવી રીતે પકડી પાડ્યા :વડોદરા શહેર પીસીબી પી.આઇ એસ.ડી.રાતડા અને તેઓની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે બિશ્નોઇ ગેંગનો સરગના ઘેવરચંદ ભાગીરથ રામ બિશ્નોઈ કે જેની સામે અગાઉ નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયેલો છે. તેને ફરીથી આ પ્રવૃત્તિ કરવા માટે વડોદરામાં મકાન અને ગોડાઉન ભાડેથી રાખી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે. આજે વહેલી સવારના તેણે મંગાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો બંધ બોડીની આઇસર ટ્રકમાં આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે વડસર બ્રિજથી કલાલી રોડ પર આવેલ મંગલા બલ્યુ વેલ નામની નવી બંધાતી સાઈટ પાસે કોર્ડન કરી સ્કૂટર તેમજ આઇસર ટ્રક સાથે બે શખ્સોને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
બિશ્નોઈ ગેંગના સભ્યોની ધરપકડ :પીસીબી દ્વારા ઝડપી પાડવામાં આવેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં તેમને પોતાના શેઠ દેવચંદ ભાગીરથ રામ બિશ્નોઈએ મંગાવેલો હોવાની માહિતી આપી હતી. તેઓને ભાયલી ખાતે પોતાના શેઠની દુકાનો ભાડેથી રાખેલી છે તેની જાણકારી મળી હતી. આ જાણકારી મુજબ પીસીબી દ્વારા પ્રથમ સેવાસી પ્રિયા ટોકીઝ પાછળ આવેલા અવધ હાઇટ્સ દુકાન 1માં તપાસ કરતા આ જગ્યાએથી દુકાનમાં રાખેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો, ફિનાઈલની બોટલો, મારુતિ સ્વિફ્ટ, ટાટા ઇન્ટ્રા ટેમ્પો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પ્રોહીબીશન એકટ : ત્યારબાદ ભાઈલી ગામ રાજયોગ રેસીડેન્સી સામે ફ્લોરેન્સ દુકાન નંબર 13માં તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો, ફિનાઈલની બોટલ, ટેમ્પો, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ તમામ મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન એકટ હેઠળ માંજલપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.