- વડોદરા ફાયર વિભાગની સતત કામગીરી
- આજે એનઓસી વગરની વધુ 6 હોસ્પિટલ સીલ
- શહેરની કુલ 14 હોસ્પિટલ્સ એનઓસી મુદ્દે સીલ થઈ ગઈ
વડોદરાઃ કોરોના મહામારીમાં તંત્ર દ્વારા આડેધડ કોવિડ હોસ્પિટલો ચાલુ કરવાની મજૂરી આપી દેવામાં આવી હતી. જેમાં 96 જેટલી હોસ્પિટલો એનઓસી લીધી હતી, બાકીની હોસ્પિટલો રામભરોસે ચાલતી હતી. જ્યારે કોરોના મહામારીની બીજી લહેર પતવા આવી છે અને કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે અને એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલ સીલ કરવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. ગત રોજ 8 જેટલી કોવિડ હોસ્પિટલને સીલ કરવામાં આવી હતી. જ્યારે આજે 6 જેટલી કોવિડ હોસ્પિટલોને સીલ મારવામાં આવી હતી જેમાં દાંડિયા બજાર ખાતે સિદ્ધિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સમા વિસ્તારમાં આવેલી ગુજરાત સર્જીકલ હોસ્પિટલ, છાણી વિસ્તારમાં આવેલી ચાર્મી હોસ્પિટલ ,દિવાળીપુરા ખાતે આવેલી અદિતિ નર્સિંગ હોમ, મુસ્લિમ મેડિકલ સેન્ટર અને હિમાલયા કેન્સર હોસ્પિટલને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીલ કરવાની કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવાની કામગીરી ચાલી રહી છે.
દેખાડાની કાર્યવાહીના બદલે નક્કર આયોજનની જરુર
જો એનઓસી વગર ચાલતી કોવિડ હોસ્પિટલમાં કોઇ મોટી દુર્ઘટના બની હોત તો એનો જવાબદાર કોણ ? શું કોરોના દર્દીઓના જીવની સાથે તંત્ર રમત રમી રહ્યું છે ? નાગરિકોના જીવની કોઈ કિંમત નથી ? જ્યારે કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે સરકાર દ્વારા માત્રને માત્ર રૂપિયાની સહાય આપવામાં આવે છે પણ એ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે કોઈપણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ પર્યાવરણ દિવસની ઉજવણી માટે વડોદરા આવેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુમનદીપ મુલાકાત વિવાદમાં