એચ. એ. રાઠોડ, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા વડોદરાઃ શહેરના દંતેશ્વરમાં ચિત્તનગર સોસાયટીમાં એક દંપતિ ભાડે રહેતું હતું. આ દંપતિ પ્રતાપનગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે પત્નીને કોઈ અજાણ્યા સખ્શે ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી. પત્નીને હોસ્પિટલમાં દાખલ કરાતા હોસ્પિટલે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતા આ સમગ્ર બનાવમાં એક વળાંક સામે આવ્યો છે.
સમગ્ર ઘટનાક્રમમાં 'વળાંક': દંતેશ્વરના ચિત્તનગર સોસાયટીમાં 20 વર્ષીય પતિ જયસિંગ ચીખલીકર અને તેના પત્ની કોમલ ચીખલીકર ભાડાના મકાનમાં રહેતા હતા. દંપતિ પ્રતાપનગર બ્રિજ પર ફરવા ગયું અને પત્નીને કોઈ અજાણ્યા સખ્શે ગોળી ધરબી દીધી તેવું રટણ પતિ કરી રહ્યો હતો. હોસ્પિટલે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે આ બનાવની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે બ્રિજની સાથે સાથે દંપતિના મકાનની પણ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં એફએસએલ ટીમ પણ જોડાઈ હતી. ઘરના બેડરુમમાંથી ફાયરિંગ થયેલ ગોળીનો ખાલી સેલ મળી આવ્યો હતો. ત્રણ જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. એફએસએલ ટીમને ઘરની દિવાલો પરથી લોહીના ડાઘ પણ મળી આવ્યા હતા. તેની તપાસ અને પરીક્ષણ ચાલું છે. જો કે આ બધા પુરાવાથી પોલીસને પતિ પર શંકા જતા તેની ઉલટ તપાસ કરવામાં આવી હતી. જેમાં પતિએ પ્રતાપનગર બ્રિજ પર ફાયરિંગ થયાની ઘટના ઉપજાવી કાઢીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલી લીધું છે. પોલીસે પતિની અટકાયત કરીને હજૂ પણ વધુ તપાસ હાથ ધરી છે.
પત્ની ભાનમાં આવશે ત્યારે સાચી માહિતી મળશેઃ અત્યારે પત્નીનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે. પત્નીના માથામાંથી ફાયરિંગ થયેલ ગોળી પણ કાઢવામાં આવી છે. પત્નીની સ્થિતિ સુધરે અને ભાનમાં આવે ત્યારે પોલીસ તેણીનું નિવેદન નોંધશે. પત્નીના ભાનમાં આવતા જ આ આખી ઘટના પરથી રહસ્યનો પડદો ઉંચકાશે અને સાચી હકીકત સામે આવશે. માત્ર એક મહિના પહેલા થયેલા લગ્નજીવનમાં પિસ્તોલે કેમ ભૂમિકા ભજવી તેની જાણકારી માત્ર પત્ની જ આપી શકે તેમ છે.
વહેલી સવારે ખાનગી હોસ્પિટલમાંથી મકરપુરા પોલીસ સ્ટેશનને વર્ધી મળી હતી. જેમાં 20 વર્ષીય કોમલ ચીખલીકરને પ્રતાપનગર બ્રિજ પર કોઈ અજાણ્યા ઈસમે ગોળી મારી દીધી હોવાનું જણાવાયું હતું. મકરપુરા પોલીસે આ બનાવની તપાસ શરુ કરતા કોમલ ચીખલીકરના ઘરમાંથી જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. જેમાં ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ, ગોળીનો ખાલી સેલ અને ત્રણ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. એફએસએલ ટીમને સાથે રાખીને પોલીસે વધુ તપાસ હાથ ધરતા પતિએ જ પત્ની પર ગોળી ચલાવી હોવાનું કબૂલી લીધું છે અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પત્ની ભાનમાં આવતા તેનું નિવેદન લેવામાં આવશે...એચ. એ. રાઠોડ, એસીપી, ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા
- અનૈતિક સંબંધનો કરૂણ અંજામ, પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોતા પતિએ પત્નીને પતાવી દીધી
- Surat Crime News : ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા