વડોદરા સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો વિરુદ્ધ હાલ મુહીમ ચાલી રહી છે અને તંત્ર એકશન મોડમાં આવ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર ખાતે વ્યાજખોરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. સાવલી તાલુકાના મંજુસર ગામમાં વ્યાજખોર પિતાપુત્રોએ ગામના જ એક પટેલને રૂપિયા પાંચ લાખ દસ ટકા ના વ્યાજે 2020ના વર્ષમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી તે સમય દરમિયાન આપ્યા હતાં. તે 5 લાખની રકમ સામે 36 લાખ રૂપિયા વસૂલ કરી દીધેલા હોવા છતાં પણ હજુ પણ બીજા 20 લાખની વધુ માંગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહી હતી. મંજુસર પોલીસે એક્શન લેતાં વ્યાજખોર પિતાપુત્રની ધરપકડ કરી છે.
કોરોનાની મહામારી સમયે વેપાર ધંધા બંધ થતાં વ્યાજે રૂપિયા લીધાં આ ફરિયાદમાં શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોનાની મહામારી સમયે સમગ્ર વેપારધંધો બંધ થઈ ગયો હતો. ત્યારે મંજુસર ગામમાં પોતે બનાવેલી ઓરડીઓનું ભાડું પણ ન આવવાને કારણે ઘરસંસાર ચલાવવામાં ભારે તકલીફ પડતી હતી. જેને લઈને મંજુસર ગામમાં જ રહેતા દીપકભાઈ અંબાલાલ શર્મા પાસેથી તેઓએ વર્ષ 2020 માં રૂપિયા પાંચ લાખ દસ ટકા વ્યાજે લીધા હતા અને તેની સામે સિક્યુરિટી પેટે પોતાની પત્ની ભારતીબેન, પુત્ર પાર્થ અને પિતા પરસોત્તમભાઈના બેન્ક ખાતાનાં સાત ચેકો પણ તેઓને આપ્યાં હતાં.
આ પણ વાંચો વ્યાજખોરોને પાઠ ભણાવવા સરકારે બનાવ્યો વિશેષ પ્લાન, નીવેડો આવશે
વ્યાજ ચૂકવવા માટે ટ્રેક્ટર પણ વેચવું પડ્યું2020ની સાલમાં દીપકભાઈ શર્મા પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ કોરોનાને કારણે કોઈ આવક ન હોવાથી વ્યાજ ચૂકી શક્યા ન હતાં. પરંતુ સમય જતા કોરોના ઘટ્યા બાદ દીપકભાઈ શર્મા અને તેના બંને પુત્રો હિતેશભાઈ અને કુલદીપે કરજદાર વેપારીને ફોન ઉપર પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી હતી અને સમય જતા તેઓએ અપશબ્દ પણ વાપરવાના શરૂ કર્યા હતા. પ્રતિ માસ ₹15,000 આપવાનું નક્કી કર્યું અને વ્યાજખોર પિતાપુત્રએ તેઓને ઘરે બોલાવીને દબાણ વધારતા પ્રતિ માસ રૂપિયા 50000 આપવા માટે દબાણ શરૂ કર્યું હતું. આ દબાણ વધતાં શૈલેષભાઈ પટેલે પોતાનું ટ્રેક્ટર અઢી લાખમાં વેચીને પાંચ માસના વ્યાજની રકમ દીપકભાઈ શર્માને ચૂકવી હતી. એટલું જ નહીં પરંતુ આ વ્યાજખોરો દ્વારા મંજુસર ગામમાં ઊભી કરવામાં આવેલી ઓરડીઓ પડાવી લેવાની ધમકી આપવામાં આવતી હતી.