- કરજણ હાઇવે પર બે અકસ્માત
- એક બાળક સહિત બે ના મોત
- કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી
વડોદરા : કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ તથા નેશનલ હાઈવે નં.48 પર અલગ - અલગ સ્થળે ભારદારી વાહનોના અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં એક બાળક સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતા. આ અકસ્માત મોતના બનાવની કાર્યવાહી કરજણ પોલીસે હાથ ધરી છે.
માતેલા સાંઢની ગતિએ દોડતા રેતી ભરેલા ડમ્પર ચાલકો સામે નગરજનોમાં આક્રોશ
અકસ્માત મોતના બનાવની પ્રાપ્ત વિગત મુજબ કરજણ હાઇવેના વડોદરાથી ભરુચ તરફ જતાં હાઇવે નં. 48 પર મોતી મહલ હોટલની સામેનાં હાઈવે પર એક ટેન્કર ચાલકે અંધારામાં કોઇ પણ પ્રકારની લાઇટો ચાલુ રાખ્યા વગર ટેન્કરને હાઇવેની સાઇડ ઉપર ઉભી રાખી હતી. આ રોડ પરથી પૂર ઝડપે પસાર થતા અને આગળ જતાં વાહનને બીજા ટેન્કર ચાલકે ઓવરટેક કરવાની કોશિષ કરતાં ટેન્કર ચાલક અંધારામાં ઉભી રાખેલી ટેન્કરની પાછળ ધડાકા સાથે ઘૂસી ગયો હતો. જેમાં હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરના આગળના ડ્રાઇવર કેબિનનો ખુરદો બોલી જવા સાથે ટેન્કર કેબિનમાં ફસાઈ ગયો હતો અને મોતને ભેટયો હતો. આ અકસ્માતના બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને કેબીનમાં ફસાયેલા ડાઇવરનો મૃત હાલતમાં બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.