- ડભોઈમાં અદ્યતન રેલ્વે સ્ટેશનને લઈ મુખ્ય રોડ સાથે જૂનો ગેટ બંધ કરી દેતા વેપારીઓમાં રોષ
- વરસતા વરસાદમાં વેપારીઓએ સુત્રોચાર કરી તંત્ર સામે નારાજગી દર્શાવી
- જૂનો ગેટ જ રેલ્વે સ્ટેશન માટે મુખ્ય પ્રવેશ દ્વાર રહેવા દેવા માંગ કરી
વડોદરા : ડભોઇથી કેવડીયા સુધી નવી રેલ્વે લાઇન નાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડભોઇ રેલ્વે સ્ટેશન અધ્યતન બનવામાં આવ્યું છે. ત્યારે ગાયકવાડી શાસનકાળ દરમિયાનનું રેલ્વે સ્ટેશન તોડી નાખવામાં આવ્યું છે. હાલ નવા રેલ્વે સ્ટેશનનો ગેટ જૂનો હતો. ત્યાં ગેટ બંધ કરી નવો ગેટ આપવામાં આવ્યો છે. જેને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનો ગેટ જો બંધ થઈ જશે તો રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારના વેપારીઓને ભારે નુકશાન વેઠવું પડે તેમ હોવાથી વેપારી મહાજન દ્વારા સાંસદ ગીતાબેન રાઠવાને પત્ર લખી જૂનો ગેટ કાર્યરત રાખવા માંગ કરી છે.
છોટાઉદેપુરના સાંસદ અને ડભોઈના ધારાસભ્યને પત્ર લખી રજૂઆત કરી
ડભોઈ નગરમાં એશિયાનું સૌથી મોટું રેલ્વે જંકશન ગાયકવાડી શાસન કાળ દરમ્યાન બનવામાં આવ્યું હતું. આ જંકશનની નજીકથી જે તે સમયે ગાયકવાડ સરકાર દ્વારા નગરમાં પ્રવેશ કરવા માટે ડભોઇના શીરોમણિ એવા ભક્ત કવિ દયારામના નામથી મુખ્ય બજારને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જ્યારે આ રેલ્વે સ્ટેશનને તોડી નવું અધ્યતન રેલ્વે સ્ટેશન બનવામાં આવ્યું ત્યારે મુખ્ય બજારને જોડતા ભક્ત કવિ દયારામ માર્ગ ઉપરનો મુખ્ય ગેટને બંધ કરી રેલ્વે તંત્ર દ્વારા નવો ગેટ બનવામાં આવ્યો છે. જે રસ્તો નાનો હોય અને અને અકસ્માતના બનાવો વધુ બને તેમ હોય ડભોઈ વેપારી મહાજન મંડળ દ્વારા જૂનો ગેટ જ કાર્યરત રાખવા માટે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને પત્ર લખી માંગ કરવામાં આવી છે.