વડોદરા : કોરોનાના વધતાં જતા વ્યાપને લઈ લોકોના સ્વાસ્થ્યને ખાસ ધ્યાને લઇ રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં જાહેર કે, શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકશે નહીં. ત્યારે, વડોદરા શહેરના જ્યૂબેલીબાગ બાગમાં કેટલીક મહિલાઓએ ચણીયા ચોલીમાં સજ્જ થઈ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.
વડોદરા જ્યૂબેલીબાગ ખાતે ચાલતા યોગ કલાસમાં મહિલાઓએ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી
કોરોનાને લઈ રાજ્યમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ગરબા પર પાબંધી છે, ત્યારે વડોદરાના જ્યૂબેલીબાગ ખાતે ચાલતા યોગ કલાસ દરમિયાન મહિલાઓએ ચણીયા ચોલીમાં સજ્જ થઈ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી.
મળતી માહિતી અનુસાર જ્યુબેલીબાગ બાગમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના જિજ્ઞા ગાંધી યોગ કલાસ ચલાવે છે. જેમાં 50 થી 60 જેટલા સાધકો છે. તા.17 થી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ચાલુ વર્ષે ગરબા કરવા પર પ્રતિબંધ છે. તો યોગ સાધકો યોગની સાથે સાથે ગરબાની મોજ માણી શકે તે માટે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ ટીચર જિજ્ઞા ગાંધી દ્વારા ખાસ યોગા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ મહિલા સાધકો ચણીયા ચોલીમાં સજ્જ થઈ આવ્યા હતા. જેમાં લાઉડ સ્પીકરના સુરે યુવતીઓ મહિલાઓએ ગરબા અને ટીમલીની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે આરએસપી કાઉન્સિલર રાજેશ આયર પણ ઉપસ્થિત રહ્યા હતા.