- જાતીય ગુનાનો ભોગ બનેલી બે કિશોરીઓને વચગાળાનું વળતર તેમજ વધારાનું વળતર ચૂકવાશે
- 9માં અધિક સેસન્સ જજ સાવલીએ બાળાઓની દૈનિય હાલતની નોંધ લીધી
- એક કિશોરીને 2 લાખ બીજીને 75 હજાર બે માસમાં વળતર અપાશે
વડોદરાઃ સાવ નાની ઉંમરે દુષ્કર્મ જેવા ગંભીર જાતિય ગુનાનો ભોગ બનેલી બે કિશોરીઓને વચગાળાનું વળતર તેમજ વધારાનું વળતર પેટે કુલ પોણા ત્રણ લાખ રૂપિયા 2 માસની અંદર ચુકવી દેવાનો વડોદરાની અદાલતે આદેશ કર્યો હતો.આ પ્રકારનો વડોદરામાં પ્રથમ વખત અને રાજ્યમાં બીજી વખત આદેશ થતાં બાળ સુરક્ષા કાયદા અને યોજનાના અમલીકરણનો નવો અધ્યાય જોડાયો છે.
પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સના કાયદાનો અમલ
રાજ્યમાં બાળ સુરક્ષા માટે પોસ્કો પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સનો કાયદો અમલમાં છે અને આ કાયદાને વધુ પીઠબળ આપવા માટે અત્યાચારનો ભોગ બનેલા બાળકો-બાળકીઓને તાત્કાલિક નાણાંકીય વળતર મળે એવી જોગવાઈ છે. 9 માં અધિક સેશન્સ જજ વડોદરા સાવલી એ.જે.કાનાણીએ તાજેતરમાં સાવલી પોલીસ મથકમાં નોંધાયેલી બે બાળાઓ પર દુષ્કર્મની ફરિયાદની સુનાવણી દરમિયાન બંને બાળાઓની દયનીય હાલતની નોંધ લીધી હતી. તેમજ ઉક્ત જોગવાઈ હેઠળ બંને બાળાઓને રાજ્ય સરકારની વિક્ટીમ કોમ્પનસેસન સ્કીમ 2019 હેઠળ નાણાંકીય સહાય મળે તે માટે સ્વ પહેલ એટલે કે, સ્યુઓ મોટોથી આદેશ કર્યો હતો.
દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને સહાય આપવા સાવલી કોર્ટનો હુકમ, વડોદરામાં પ્રથમ અને રાજ્યમાં બીજી વખત આ પ્રકારનો આદેશ અપાયો - સાવલી કોર્ટ
સાવ નાની ઉંમરે દુષ્કર્મ જેવા ગંભીર જાતિય ગુનાનો ભોગ બનેલી બે કિશોરીઓને વચગાળાનું વળતર તેમજ વધારાનું વળતર પેટે કુલ પોણા ત્રણ લાખ રૂપિયા 2 માસની અંદર ચુકવી દેવાનો વડોદરાની અદાલતે આદેશ કર્યો હતો.
રકમ ચુકવવામાં મોડું થાય તો જવાબદારી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવને સોંપાઈ
2 પૈકીની એક કિશોરીને ઉક્ત સ્કીમ હેઠળ બે લાખ રૂપિયા અને બીજી કિશોરીને રૂપિયા 75 હજાર વચગાળાનું વળતર સત્વરે ચુકવવાનો બંને કેસોના સંજોગોને લઈને આદેશ કર્યો હતો. આ ઉપરાંત બંને કિસ્સાઓમાં એક્ટ રૂલ અને સ્કીમની જોગવાઈઓ અનુસાર તબીબી અને અન્ય ખર્ચાઓને પહોંચી વળવામાં મદદ મળે તેવા શુભ આશયથી વધારાની વચગાળાની રાહત ચુકવવાનો પણ આદેશ કર્યો હતો. તેમજ રાહત ચુકવવામાં બે માસથી વધુ મોડુ ના થાય તેની જવાબદારી જિલ્લા કાનુની સેવા સત્તામંડળ વડોદરાના પુર્ણકાલીન સચિવને સોંપી છે. સાવલીની અદાલતના સ્વપહેલ હેઠળ કરવામાં આવેલા આ આદેશો બાળ અધિકારોની સુરક્ષમાં એક નિર્ણાયક પડાવ પુરવાર થશે અને પોક્સો અદાલત દ્વારા કરવામાં આવેલા આ આદેશની રાજ્યના અદાલતી વર્તુળોણાં ખૂબ જ સકારાત્મક નોંધ લેવાઈ છે.