ભારતમાં જવાનોની શહીદીના કિસ્સા અખબારોમાં અવારનવાર આવતા હોય છે. તેમ છતાં આંતકી ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. દેશની રક્ષા અર્થે આરીફ જેવા ઘણાં શહીદો શાહદતીને ભેટતા હશે. જેમના સપનાઓ વિશે આપણે ક્યારે પણ વિચારતા હોતા નથી.
વડોદરામાં શહીદ જવાન આરીફની અંતિમ યાત્રામાં હજારો લોકોની મેદની ઉમટી - આરિફ
વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારના રોશન નગરમાં રહેતો મહંમદ આરીફ સફી અલી પઠાણ છેલ્લા 4વર્ષથી જમ્મુ એન્ડ કાશ્મીર બટાલિયન 18માં ફરજ બજાવતો હતો. ત્યારે આંતકી અથડામણમાં આરીફને ગોળી વાગતા શહીદ થયા હતા.
આરીફના પાર્થિવ દેહને આજે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. જવાનને સન્માન આપવા માટે લોકોએ સ્વૈચ્છાએ વીરની રેલીમાં સંમેલિત થયા હતા. હજારોની સંખ્યામાં લોકોની મેદની જોવા મળી હતી. મંગળવારે આરીફના પાર્થિવ દેહને એરપોર્ટ પર લાવ્યા બાદ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો.
બુધવારની સવારે સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે સેનાની ટ્રકમાં પાર્થિવ દેહને દફનવિધિ પહેલા નવાયાર્ડ વિસ્તારમાં તેના ઘરે લઈ જવાયો હતો. હજારોની મેદની વચ્ચે નવાયાર્ડ વિસ્તારમાં આવેલ ચિસ્તીષા મસ્જિદ ખાતે પણ લઇ જવાયો હતો. જેમાં દરેક શહેરીજનો આંખોમાં આંસુ સાથે જવાન અમર રહોના નારા સાથે જોડાયા હતા. આરીફ પઠાણ અમર રહોના ગગનભેદી નારા સાથે નવાયાર્ડ વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. તેમજ ચિસ્તીયા મસ્જિદ ખાતે ધર્મ ગુરુ દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા.