- હંમેશાં વાણીવિલાસ મામલે વિવાદોમાં ઘેરાયેલા રહેતા વાઘોડિયાના ધારાસભ્યને ભાજપથી વધુ એક ઝટકો
- પાર્લામેન્ટરી બોર્ડે મધુ શ્રીવાસ્તવની માગ ફગાવી
- પુત્રી નીલમની પણ ટિકિટ કપાઈ
- જિલ્લા પંચાયત માટે ટિકિટ માગી હતી
વડોદરાઃ વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને ભાજપે વધુ એક ઝટકો આપ્યો છે. પુત્ર બાદ દીકરી નિલમની ટિકિટ પણ કપાઈ છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દિકરી માટે ટિકિટ માંગી હતી, ત્યારે પાર્લામેન્ટરીએ મધુ શ્રીવાસ્તવની દિકરીને ટિકિટ નહીં આપવા નિર્ણય લીધો છે. પાર્લામેન્ટરી બોર્ડે મધુ શ્રીવાસ્તવની માગ ફગાવી હતી અને સગાઓને ટિકિટ ન આપવાનો નિયમ આગળ ધર્યો હતો.
દિપક શ્રીવાસ્તવને પણ વધુ એક નિરાશા હાથ લાગી
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને પણ વધુ એક નિરાશા હાથ લાગી છે. મહાનગર પાલિકા ચૂંટણી માટે નોંધાવેલી અપક્ષ ઉમેદવારીના ફોર્મને ચૂંટણી પંચ દ્વારા રદ કરવામાં આવ્યું હતું અને તેની ઉમેદાવારી વિરુદ્ધ ખુદ ભાજપે જ વાંધો ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે, દિપક શ્રીવાસ્તવના પિતા મધુ શ્રીવાસ્તવ ભાજપના જ ધારાસભ્ય છે. આમ છતાં પાર્ટીએ તેમની ઉમેદવારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
દિપક શ્રીવાસ્તવને ત્રણ બાળકો હોવાથી તેની ઉમેદવારી રદ કરવામાં આવી
દિપક શ્રીવાસ્તવને ત્રણ બાળકો હોવાથી તેની ઉમેદવારી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર ગાઈડ લાઈન પ્રમાણે જે ઉમેદવારને ત્રણ બાળકો હશે. તેમની ઉમેદવારી માન્ય રખાશે નહીં. જોકે, દિપક શ્રીવાસ્તવે કહ્યું હતું કે, મારે બે સંતાનો જ છે. ત્રણ નથી નોંધનીય છે કે વડોદરામાં ચૂંટણી ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીની ઓફિસમાં તોડફોડ કરાઈ હતી. અપક્ષ ઉમેદવારી ફોર્મ રદ થવાની આશંકાએ દીપક શ્રીવાસ્તવના સમર્થકોએ રોષે ભરાઈ તોડફોડ કરી હતી. જે બાદ જિલ્લા પંચાયત કચેરી પર ભાજપના આગેવાનો પહોંચ્યા હતા સાથે પોલીસના ધાડેધાડા પણ જિલ્લા પંચાયત ભવન ખાતે તૈનાત કરાયા હતા. ડીસીપી, એસપી, પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓનો કાફલો પણ પહોચ્યો હતો. જોકે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નહીં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પુત્રી નીલમની પણ ટિકિટ કપાતાં ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને વધુ એક વખત નિરાશ થવાની ફરજ પડી હતી.