યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ ચાલુ રાખશે વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અને પશુપાલકોને દૂધના ભાવને લઈ ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત અન્ય બે ધારાસભ્યોના ધરણાં પ્રદર્શન યોજાયાં હતાં. મળતી માહિતી મુજબ જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવશે. ધારાસભ્યોના ધરણાં પ્રદર્શનમાં પશુપાલકો પણ જોડાયા હતાં.
કોણ કોણ જોડાયું : બરોડા ડેરી સામે ભ્રષ્ટાચારના આરોપ અને પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાના મુદ્દે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા ડેરી સામે ધરણા પર બેઠા છે. આ ધરણા કાર્યક્રમમાં કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે પશુપાલકો જોડાયા હતા.
hકેતન ઇનામદારના ધરણા કાર્યક્રમમાં પશુપાલકો પણ જોડાયા હતા અલ્ટીમેટમ અપાયું : કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી સામે આજે 12 વાગ્યા સુધી અલ્ટીમેટમ અપાયું હતું કે પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવમાં વધારો કરવામાં આવે. પરંતુ સમય પૂર્ણ થતા આખરે આજે પશુપાલકોના હિત માટે ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત પશુપાલકોએ બરોડા ડેરી સામે મોરચો માંડ્યો છે અને દૂધના ભાવમાં વધારો કરવાની ઉગ્ર માંગ કરી છે.
આ પણ વાંચો MLA Ketan Inamdar on Baroda Dairy: બરોડા ડેરી મામલે કેતન ઈનામદારે મોટા આક્ષેપો, ટેન્ડર અને ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ
તમામ આરોપોને પાયાવિહોણા ગણ્યા : આ અગાઉ કેતન ઇનામદાર દ્વારા બરોડા ડેરી પર કરવામાં આવેલા ગંભીર આક્ષેપોમાં ભ્રષ્ટાચાર અને સગાવાદ સાથે દૂધના ભાવ પોષણક્ષમ આપવામાં આવે. આ અંગે બરોડા ડેરીના નિયામક મંડળ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બરોડા ડેરીએ પશુપાલકોને યોગ્ય ભાવ આપે જ છે. અન્ય ડેરીના દૂધના ભાવ કરતા સારા ભાવ આપવામાં આવે છે અને તમામ ડેરીના ભાવમાં ફેરફાર હોય છે. સાથે ભ્રષ્ટાચાર અને સગાવાદને લઇ પુરાવા સાથે જવાબો રજુ કર્યા હતા. સાથે આ આક્ષેપોને લઈ તપાસ ચાલી રહી છે અને તેમાં તમામ પુરાવાઓ આપી દેવાયા છે. આ તમામ બાબતે બરોડા ડેરીના કાર્યકારી ચેરમેન જી બી સોલંકી દ્વારા સ્પષ્ટપણે આક્ષેપોને પાયાવિહોણા ગણવામાં આવ્યા હતા.
આખરે ધરણા પ્રદર્શન : આ મામલે કેતન ઇનામદારે જણાવ્યું હતું કે બાર વાગ્યા સુધીના અલ્ટીમેટમમાં અમારે કિલો ફેટે ભાવ વધારાની માંગણી હતી. જેને લઇ બરોડા ડેરી દ્વારા ભાવ વધારો ન કરતા આખરે અમે ધરણા પર બેઠા છીએ. આ ડેરીમાં 750 રૂપિયા કિલો ફેટે ભાવ છે જે અન્ય ડેરીના ભાવ કરતા ઓછો છે. આ બાબતને લઈ બરોડા ડેરી દ્વારા પહેલ કરવામાં આવે અને પશુપાલકોને યોગ્ય ભાવ આપે. સાથે અન્ય ડેરીઓ બંધ કરવામાં આવી છે તે યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે. સાથે પશુપાલકોની ફરિયાદ છે કે પશુઓની વિઝીટનો ભાવ એક સમાંતર કરવામાં આવે અને પશુઓને ખવડાવવામાં આવતા દાણના ભાવ પ્રમાણે ગુણવત્તાયુક્ત મળતું ન હોવાના પશુપાલકોનું કહેવું છે. ત્યારે બરોડા ડેરીને તમામ મુદ્દાઓને લઈ બાર વાગ્યા સુધીમાં અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ તે પૂરું ન થતા આજે અમે પ્રતીક ધરણા પર બેઠા છીએ.
આ પણ વાંચો MLA Ketan Inamdar : સાવલીના ધારાસભ્ય બરોડા ડેરીના પશુપાલકોના પ્રશ્નોને લઇ આકરે પાણીએ, ચીમકી આપી
ત્રણે ધારાસભ્યો બરોડા ડેરી મામલે એક સૂરમાં : વધુમાં જણાવ્યું કે અલ્ટીમેટમ સામે બરોડા ડેરીના સત્તાધીશોનું પેટનું પાણી નથી હલ્યું. ત્યારે અમારા કહ્યા મુજબ પ્રતીક ધરણા પર બેઠા છીએ. જેમાં સાવલીના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે વિવિધ મંડળીઓ સાથે સંકળાયેલ પશુપાલકો આ આકરા તાપમા પણ ધરણા પર બેઠા છીએ. જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા છે અને આ બાબતને લઈ બરોડા ડેરીના સત્તાધીશોનું ઘમંડ તોડીને રહીશું. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી અમારા અનેક કાર્યક્રમો સાથે અમારી લડત ચાલુ રહેશે.
યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આંદોલન : બરોડા ડેરી સામે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા પશુપાલકોના વિવિધ પ્રશ્નોને લઈ નિરાકરણ ન આવતા બાંયો ચઢાવવામાં આવી છે. ત્યારે પ્રતીક ધરણા કાર્યક્રમ બાદ પણ આવનાર દિવસમાં જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિવિધ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સાથે જ પ્રતીક ધરણાં બાદ સાંજે પાંચ વાગ્યે વિવિધ પશુપાલકો સાથે ત્રણે ધારાસભ્ય બરોડા ડેરીમાં સત્તાધીશો સામે રજૂઆત પણ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.