વડોદરા : સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરાયું હોવાથી પેરાફેરી વિસ્તારમાંથી દબાણો હટાવવાની કામગીરી કોર્પોરેશન કરી રહી હતી. જેમાં કોર્પોરેશને ઝૂલેલાલ મંદિરને દબાણ સમજીને તોડી પાડ્યું હતુ. 50 વર્ષ જૂનુ આ મંદિર કોર્પોરેશનની દબાણ શાખાએ તોડી પાડ્યું હતું. એટલુ જ નહીં, મંદિરનુ કાયદેસરનુ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું અને મંદિરમાં રહેલી મૂર્તિઓ તથા શિવલિંગને રસ્તે રઝળતા મૂકી દીધી હતી. તેમજ 50 વર્ષથી સળગતી અખંડ જ્યોતને પણ રઝળતી મૂકી દીધી હતી.
વડોદરામાં સુરસાગર તળાવ કિનારે આવેલા મંદિરમાં 1008 દીવડાની યોજાઈ મહાઆરતી - વડોદરા કોર્પોરેશન
વડોદરા શહેરમાં 35 કરોડનાં ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવ્યું હતું. સુરસાગર તળાવ કિનારે આવેલા મંદિરને કોર્પોરેશનના તંત્રએ તોડી પાડ્યું હતું. આ કારણોસર, સર્જાયેલા વિવાદને પગલે વિવિધ હિન્દુ સંગઠનો મેદાને પડતાં પુનઃમંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું અને મંદિરનો જીર્ણોધ્ધાર કરી 1008 દીવડાની મહાઆરતી યોજાઈ હતી.
આ સમગ્ર દબાણને પગલે સિંધી સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. ભાજપ શાસિત કોર્પોરેશનની જ દબાણ શાખાએ મંદિરની કરેલી તોડફોડને લઈને સિંધી સમાજના-બાજૂમાં ગૌરક્ષા સેવા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને સમગ્ર સિંધી સમાજ રોષમાં આવી ગયા હતા.
મંદિરનું પુનઃનિર્માણ કાર્ય હાથ ધરાયું હતું અને 24 કલાકમાં મંદિર પુનઃ નિર્મિત કરી દેવાયુ હતું. મંદિરમાં ઝૂલેલાલ, સાંઈબાબા, જલારામ બાપા અને શિવલિંગની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રો ઉચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. તેમજ સાંજે 7 કલાકે મંદિરમાં 1008 દીવડાની મહાઆરતી યોજાઈ હતી અને મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હતો. જે પ્રસંગે કોર્પોરેશનના ભાજપના નેતા કેતન બહ્મભટ્ટ, વારસિયાના કોર્પોરેટર પૂરુસોત્તમ હેમલાણી ચાર દરવાજા વિસ્તારના દિપીકાબેન પટણી, જેલમબેન ચોક્સી અને ફતેપુરા વિસ્તારના કોર્પોરેટર હેમિષા ઠક્કર તેમજ નામાંકિત વકીલ નીરજ જૈન પણ જોડાયા હતાં.