વડોદરાઃ સ્માર્ટસિટી વડોદરામાં કોર્પોરેશનના રેઢિયાળ વહીવટના સ્માર્ટ કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં જોવા મળ્યા છે. હજી ઉનાળાની શરૂઆતજ થઈ છે, ત્યાં પાણીનો કકળાટ ,અસહ્ય ગંદકી અને ઉભરાતી ગટરો સ્માર્ટ તંત્રની દેન છે.
ગંદકી તેમજ ઉભરાતી ગટરોથી ત્રાહિમામ થયેલા સ્થાનિકોએ ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી - ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
વડોદરા શહેરના ડભોઈ રોડ પ્રતાપનગર વિસ્તાર સ્થિત મહાનગરમાં ગંદકી તેમજ ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ ચૂંટણી અને વેરાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા મહાનગર વુડાના મકાનોમાં પ્રવેશદ્વાર તથા અંદર જ અસહ્ય ગંદકી ઉદભવી છે. તેમજ અહીં છેલ્લા એક મહિનાથી ડ્રેનેજો ઉભરાઈ રહી છે. પીવાનું દુષિત પાણી આવતા રહીશો રોગચાળાના ભરડામાં સપડાયા છે, ત્યારે સ્થાનિકો સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવ્યું હોય જેની સામે સ્થાનિકોએ સુવિધા નહીં તો વોટ નહીં અંતર્ગત આગામી ચૂંટણીઓમાં મત આપવાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેમજ સ્થાનિક મહિલાઓએ રણચંડી બની તંત્ર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી ચૂંટણી તથા વેરાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.