'લાલા ટોપીની વાવ' ખાતે કારતકી પૂનમે ઉમટી પડે છે ભીડ ડભોઈ:વડોદરા જિલ્લામાં આવેલ ડભોઇ-દર્ભાવતી નગરી એ ઉત્સવપ્રિય અને ઐતિહાસિક સ્થાનો ધરાવતી નગરી છે. જેમાં નગરનાં નાંદોદી ભાગોળ બહારનાં વિસ્તારમાં ગાયકવાડી શાસન પૂર્વેથી આવેલ ઐતિહાસિક અને પૌરાણિક 'લાલા ટોપી'ની વાવ આવેલી છે. અહીં વાવની બાજુમાં રણછોડજી બિરાજમાન છે. અહીં કારતકી પૂનમના દિવસે પ્રતિવર્ષની વહેલી સવારથી જ પૂનમના દર્શનાર્થે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે.
ડાકોરમાં બિરાજમાન રણછોડજીની આબેહૂબ મૂર્તિ ડાકોરમાં બિરાજમાન રણછોડજીની આબેહૂબ મૂર્તિ:જાણવા મળતી હકીકત મુજબ સદર ઐતિહાસિક વાવની બાજુમાં આવેલ મંદિરમાં પ્રસ્થાપિત રણછોડજીની મૂર્તિ આબેહૂબ ડાકોર ખાતે આવેલ રણછોડજીની મૂર્તિ સાથે મળતી આવે છે, જેના કારણે આ પંથકના શ્રધ્ધાળુઓ આ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. જેથી અહીં પ્રભુનાં દર્શન કરી ભક્તોજનોને ડાકોર જઇ દર્શન કર્યા હોવાની અપાર લાગણી અને અનૂભૂતિ જોવા મળે છે.
ઐતિહાસિક શહેર ડભોઇ-દર્ભાવતી આવેલ ઐતિહાસિક 'લાલા ટોપીની વાવ' અહીં રણછોડજી મંદિરની બાજુમાં જ પૌરાણિક વાવ આવેલી છે. મંદિરમાં બિરાજમાન રણછોડજીને લીધે પંથકનાં ભકતજનો અને નાગરિકોમાં આ વાવ 'લાલા ટોપીની વાવ' ના નામે પ્રસિદ્ધ છે. આમ, આ વાવ અને રણછોડજીની મૂર્તિ ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવે છે.
રણછોડજી સ્વયંભૂ પ્રગટેલ હોવાની લોકવાયકા:અહીંનાં સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણવા મળતી હકીકત મુજબ વર્ષો પૂર્વે અહીંના વેરાણ વિસ્તારમાં પોતાની ગાયો ચરાવતા એક ભરવાડને ટોપલીમાં મૂકેલી રણછોડજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટેલ મળી આવી હતી. જેથી ભકતજનોએ આ વાવની બાજુમાં જ મંદિર ઉભું કરી ત્યાં આ મૂર્તિને શ્રદ્ધાપૂર્વક સ્થાપિત કરવામાં આવી હતી. આ ઘટનાને પરિણામે બાજુમાં આવેલી વાવ 'લાલા ટોપીની વાવ'ના નામે પ્રસિદ્ધ થઇ હતી. જેનાં કારણે સમગ્ર પંથકની ભાવિક જનતા આ સ્વયંભૂ પ્રગટેલ રણછોડજીમાં અપાર શ્રદ્ધા ધરાવે છે અને અહીં દર્શન માત્રથી ભક્તજનોની મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળે છે.
કારતકી પૂનમના દિવસે આ પૌરાણિક રણછોડજી મંદિરમાં અન્નકુટનો ઉત્સવ પણ યોજવામાં આવે છે. જેના દર્શનનો ભાવિક ભક્તોજનો લાભ લે છે અને રણછોડજી મંદિરમાં રહેલ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે. વહેલી સવારથી મોડી સાંજ સુધી સદર મંદિરમાં ભક્તજનોનો પ્રવાહ અવિરત જોવા મળે છે અને મંદિરનાં પ્રાંગણમાં ભાતીગળ મેળો પણ ભરાય છે. કેટલાક શ્રદ્ધાળુઓ દર પૂનમે પણ આ મંદિરમાં દર્શનાર્થે આવતા હોય છે. પૂનમના દિવસે સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર 'જય રણછોડ'ની ગગનભેદી ગુંજથી ગુંજી ઉઠે છે.
મંદિર-વાવનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થાય તેવી લોકલાગણી:આ ઐતિહાસિક અને પૌરાણિક વાવ અને તેની બાજુમાં આવેલ રણછોડજી મંદિર સમગ્ર પંથકનાં ભકતજનો માટે અપાર શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. જેથી પંથકનાં ભકતજનોની લાગણી અને માંગણી છે કે આ વાવ અને મંદિરનો ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેશ થાય તો અહીં આધુનિક સગવડો ઉપલબ્ધ થાય મંદિર અને વાવનો જીર્ણોદ્ધાર થાય તો અહીં કુદરતી અને નયનરમ્ય વાતાવરણમાં પ્રવાસન માટેનું નવું એક કેન્દ્ર પણ વિકસે તેવી શકયતાઓ રહેલી છે. જેથી સ્થાનિક નેતાઓ અને સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય કરે તેવી લોક લાગણી અને માગણી પણ ઉભી થયેલ છે.
- અયોધ્યાના રામ મંદિરમાં લગાવાશે 25 લાખનો અનોખો ઘંટ, 'ॐ 'ના નાદથી ગુંજી ઉઠશે રામ મંદિર
- Shravan Worship of Shiva : બારડોલી કેદારેશ્વર મંદિરમાં 184 વર્ષથી ચાલતી શિવનામ સ્મરણ સપ્તાહ, પરંપરા શા માટે છે અઘરી તે જાણો