વડોદરા : શહેરના તરસાલી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટ્રાગ્રામ પર એક યુવાન સાથે મિત્રતા થઇ હતી. મિત્રતા થયા બાદ તેઓ એકબીજાને મેસેજ કરતા હતા. મેસેજથી આગળ વધી બંને અવારનવાર મળતા હતા. એક દિવસ બંને હાઇવે પર હોટલ ખાતે મળ્યા હતા. તે સમયે યુવાને પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ દરમિયાન પરિણીતાએ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરતા યુવાને પરિણીતાને તેના પતિને ફોટો બતાવી દેવાની ધમકી આપી સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ અંગે પરિણીતાએ યુવાનની માતાને ફરિયાદ કરતા તેઓએ પુત્રને સમજાવવાના બદલે પુત્ર સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. પરિણીતા પાસે કોઇ રસ્તો ન રહેતા આખરે મકરપુરા પોલીસ મથકમાં યુવાન અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી હતી.
ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા થઈ :મકરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર તરસાલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પરિણીતાના છ વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓને એક પુત્ર છે. સપ્ટેમ્બર 2022માં તેઓના ઇન્સ્ટ્રાગ્રામ પર કરણ નિકમે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી. જે તેઓએ એક્સેપ્ટ કરી હતી. ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા થયા બાદ કરણ મોબાઇલ નંબર માંગતા તેઓએ આપ્યો હતો. તે બાદ બંને વચ્ચે મેસેજની આપ-લે શરૂ થઇ હતી. સાથે વાતચિત પણ શરૂ થઇ હતી.
યુવાને હોટલમાં અંગત પળોના ફોટા પાડ્યાપરિણીતા અને કરણ વચ્ચે મોબાઇલ ફોન પર મેસેજ અને વાતચિત શરૂ થતાં મિત્રતા વધુ ઘાઢ બની હતી. સપ્ટેમ્બર 022થી ડિસેમ્બર 022 દરમિયાન પરિણીતા કરણને મળવા માટે લાલબાગ ગાર્ડન તેમજ બરોડા ડેરી પાસે મળવા માટે જતી હતી. એક દિવસ બંને તરસાલી હાઈવે પરની એક હોટલ ખાતે મળ્યા હતા. તે સમયે કરણે પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. જે વાતથી પરિણીતા અજાણ હતી. આ દરમિયાન પરિણીતાને અહેસાસ થયો કે, કરણ મિત્રતાની આડમાં શારીરીક, માનસિક અને આર્થિક શોષણ કરવા માંગે છે.
કરણે પરિણીતાને આપી ધમકી : આથી પરિણીતાએ કરણ સાથે સંબંધ કાપી નાખવાનો વિચાર કર્યો હતો. કરણને હવે પછી સંબંધ પર પૂર્ણવિરામ મૂકવા માટે જણાવ્યું હતું. પરિણીતાએ સબંધ કાપી નાખવાની વાત કરતા જ કરણ તેના અસલી રૂપમાં આવી ગયો હતો અને પરિણીતાને ધમકી આપતા જણાવ્યું કે, જો તુ મારી સાથ સંબંધ નહીં રાખે તો હું આપણા અંગત પળોના ફોટા અને આપણે મોબાઇલ વોટ્સએપ પર મેસેજ દ્વારા થયેલી વાતચીત તારા પતિને મોકલી આપીશ અને સમાજમાં બદનામ કરી દઈશ.