- વડોદરા જિલ્લામાં ખાણ અને ખનીજ ખાતાનો સપાટો
- ખાંધા ગામમાં માટીનું બિન અધિકૃત ખનન અટકાવ્યું
- આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
વડોદરાના ખાંધા ગામમાં ખનીજ વિભાગની ટિમ ભૂમાફિયા પર ત્રાટકી, રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત વડોદરાઃ જિલ્લા તંત્રના ખાણ અને ખનીજ વિભાગે ખનીજ ખનન અને વહનમાં આચરવામાં આવતી ગેરરીતિઓ સામે લાલ આંખ કરી છે. ગઈકાલે રાત્રે ખાતાની ટિમ કરજણ તાલુકાના ખાંધા ગામે ત્રાટકી હતી. અહીં ખનીજ વિભાગની ટિમે ગેરકાયદેસર માટીનું ખનન અને વહન કરતા ભૂમાફિયાઓને ઝડપી પાડ્યા હતા.
ખનીજના ગેરકાયદે ખનન અને વહન કરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ
કરજણ તાલુકાના ખાંધા ગામમાં સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ અને વહન થતું હોવાનું જાણવા મળતા ખનીજ વિભાગની ટિમ અહીં પહોંચી હતી. ટિમે સ્થળ પરથી એક હિટાચી મશીન અને સાદી માટી ભરેલા 2 વાહનોનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો તેમ ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું હતું.
વડોદરાના ખાંધા ગામમાં ખનીજ વિભાગની ટિમ ભૂમાફિયા પર ત્રાટકી, રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત 2 સપ્તાહમાં ત્રણ સ્થળો પર દરોડા પાડી 50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો લગભગ બે અઠવાડિયાના સમયમાં 3 સ્થળે દરોડા પાડી રેતી અને માટી ખનીજના ગેરકાયદેસર ખનન અને વહનને અટકાવી વાહનો સહિત મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાંધા ગામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બિનઅધિકૃત ખોદકામ ધોરાજિયા પ્રોજેક્ટ એલએલપીના પેટા કોન્ટ્રાક્ટર જિતેન્દ્ર સિંહ વાઢેર દ્વારા કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.