ડભોઈના ખેડાવાડ ફળિયામાં જુથ અથડામણ વડોદરા:ડભોઇમાં ખેડાવાડ ફળિયામાં બે કોમનાં ટોળાં સામ-સામે આવી જતાં શાંત માહોલ ડોહળાયો હતો, આ ફળિયામાં લઘુમતી કોમનો એક યુવાન છેલ્લાં બે દિવસથી ગુમ હતો અને આ મામલે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાઇ છે. આ બાબતને લઇ બે ટોળા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો બિચકતા બંને ટોળા સામસામે આવી ગયાં. જો કે ઘટનાના પગલે પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
ડભોઈના ખેડાવાડ ફળિયામાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે ક્યાં કારણોસર થઈ બબાલ: હાલ જાણવા મળતી માહિતી અનુસાર ડભોઈના ખેડાવાડ ફળિયાનો લઘુમતી કોમનો એક યુવક બે દિવસથી ગુમ છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવક સાથે એક યુવતી પણ સાથે ગઈ હતી જોકે, બાદમાં તે સવારે પરત આવી ગઈ હતી. પરંતુ આ યુવક ન મળતાં આખરે તે ગુમ થયો હોવાની જાણવા જોગ ફરિયાદ ડભોઈ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ બનાવને લઇ આજે સાંજે અચાનક બે કોમના ટોળા સામ-સામે આવી જતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
જુથ અથડામણના પગલે ખેડાવાડ ફળિયામાં પોલીસ બંદોબસ્ત ખેડાવાળ ફળિયું પોલીસ છાવણીમાં ફેરવાયું: મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે ઘટના સ્થળે પોહચી સ્થિતિ કાબુમાં લીધી હતી. આ મામલે ડીવાયએસપી, પીએસઆઇ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતાં અને ટોળાને વિખેર્યા હતાં. હાલ ડભોઈનું ખેડાવાળ ફળિયું પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પરંતુ પોલીસે અફવાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે, અને હાલમાં શાંતિનો માહોલ જળવાઈ રહયો છે.
યુવકનાં ગુમ થયા અંગે હાલ તપાસ ચાલુ:આ અંગે ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે, આ ફળિયામાં રહેતો ફરદીન શેખ નામનો યુવક બે દિવસથી ગુમ છે, તે અંગેની જાણવા જોગ ફરિયાદ ડભોઇ પોલીસ મથકમાં નોંધાઇ છે. આ મામલે ડભોઇ પોલીસના પીએસઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ વ્યક્તિનાં ઘરે જે તે સંબંધીઓ ભેગા થયેલા અને તે સમયે મિસ બ્રિફિંગ થતા બંને કોમનાં ટોળાં સામ સામે આવી ગયાં હતાં પરંતુ હાલ આ વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે.
અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ:પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પૂરતો છે, અને કોઈએ ખોટી અફવા કે સંદેશો ફેલાવવો નહીં. જો કોઈ પણ ગંભીર માહિતી હોય તો ડભોઇ પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવાનું કહ્યુ છે, હાલમાં અહીં શાંતિ જળવાઈ રહેલી છે. પોલીસે વધુમાં કહ્યું કે, ગૂમ થયેલા યુવાનને શોધવા માટે પોલીસના પૂરતા પ્રયત્નો ચાલું છે અને પોલીસની ટીમો તે દિશામાં તપાસ કરી રહી છે.
- બે વર્ષથી વધુ સમયથી દીકરીના મોતનો ન્યાય માગતા પિતાની રઝળપાટ, કરજણ પોલીસે હવે નોંધી ફરિયાદ
- વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લગાડનાર ઈસમ સીસીટીવી ફૂટેજના આધારે ઝડપાયો