MSUની ફાઈનઆર્ટસ ફેકલ્ટી ખાતે તારીખ 10 અને 11જાન્યુઆરી દરમિયાન ફાઈનઆર્ટ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં ફાઈનઆર્ટસ ફેકલ્ટીના તમામ વિભાગના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભાગ લીધો છે. આ ફેરમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવાયેલા રમકડાં, વિવિધ કલાકૃતિઓ, પેન્ટિંગ, પોટ્રી, ગ્રાફિક્સ સહિતની માટી, સીરામીક, પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી જુદા-જુદા પ્રકારની ચીજ વસ્તુઓ સ્કલ્પચર,અને ઘર વપરાશમાં આવતી વિવિધ ડિઝાઇનિંગ કરેલી પ્લેટ, બાઉલ, મગ વગેરે બનાવી તેનું વેચાણ કરવામાં આવશે.
MSUમાં 8 વર્ષ બાદ ફાઈનઆર્ટસ ફેકલ્ટી દ્વારા યોજાશે ફાઈનઆર્ટસ ફેર 2020
વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટી દ્વારા 8 વર્ષ બાદ ફાઈનઆર્ટસ ફેર 2020નું આયોજન કરાયું છે. જેને યાદગાર બનાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
યુનિવર્સિટીની ફાઈનઆર્ટસ ફેકલ્ટી શું છે? ફાઈનઆર્ટસમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારનો અભ્યાસ કરાવવામાં આવે છે તે પ્રકારની માહિતી લોકો સુધી પહોંચે, વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળે અને વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભા ઉજાગર કરી શકાય તે હેતુસર આ ફાઈનઆર્ટસ ફેર 2020નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ફેર છેલ્લે વર્ષ 2011માં યોજાયો હતો. ત્યારબાદ કોઈ કારણોસર આ ફેર કરવામાં આવ્યો ન હતો. 8 વર્ષ બાદ 9માં વર્ષે 2020માં તારીખ 10 અને 11 જાન્યુઆરી એમ બે દિવસીય આ ફાઈનઆર્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો આ ફેરમાં રજૂ કરનાર વિવિધ સ્કલ્પચર, કલાકૃતિઓ,પેન્ટિંગ સહિતની વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા અંતિમ ઓપ આપવાની કામગીરીમાં જોતરાયા છે.