- મોંઘવારીએ સાવલી ધનતેજના ખેડૂતને આત્મનિર્ભર બનાવ્યો
- ડીઝલથી ચાલતી દેશી ડમકી ગેસથી ચલાવવાનો આવિષ્કાર કર્યો
- ડીઝલ કરતા ત્રીજા ભાગના ખર્ચમાં ખેતરને પીયતનું પાણી પહોચાડ્યું
ખૂબ ઓછા ખર્ચે ખેતરમાં પીયતનું પાણી પહોચાડ્યું
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામના ખેડૂતે ડીઝલના વધતા ભાવોને કારણે ખેતરમાં પીયતનો ખર્ચ વધી જતો હોઇ આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જાતમહેનતે ખેતરમાં સિંચાઈ માટેનું પાણી મેળવવા ફક્ત ડીઝલથી ચાલતી ડમકીને એલ.પી.જી. સંચાલિત બનાવી ડીઝલ કરતા ત્રીજા ભાગના ખર્ચમાં ખેતરને પીયતનું પાણી પહોંચાડ્યું હતું.
ડીઝલના ભાવ આસમાને હોઇ આવક કરતા જાવકનું પ્રમાણ વધ્યું
સરકાર દ્વારા બજેટમાં ખેડુતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ બજેટ ખેડૂતોનો ખર્ચ ઘટાડી શક્યું નથી. ત્યારે સાવલી તાલુકાના ધનતેજ ગામના ખેડૂત અબ્દુલભાઈ અહેમદમીયાં મકરાણી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ડમકી દ્વારા પોતાના ખેતરમાં ગામ પાસેથી વહેતી કરડ નદીમાંથી પીયત માટે પાણી મૂકતાં હતાં. હાલમાં ડીઝલના ભાવ આસમાને હોઇ આવક કરતાં જાવકનું પ્રમાણ વધી જતું હતું તથા ડીઝલ લેવા માટે 15 કીમી દૂર સાવલી અથવા કાલોલ જવું પડતું હતું.
મોઘા થતાં ડીઝલે ખેડૂતને નવા પ્રયોગ કરવા તરફ દોર્યો આ પણ વાંચોઃરાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટેઃ નીતિન પટેલની સ્પષ્ટતા
ઓછા ખર્ચે એન્જીન કેવી રીતે ચલાવાય તે દિશામાં મનોમંથન સાથે રાતદિવસ મહેનત કરી સફળતા મેળવી
હાલની પરિસ્થિતિમાં ડીઝલના ભાવ ઓછા થવાના કોઇ એંધાણ ન દેખાતા અબ્દુલભાઈ પોતે આત્મનિર્ભર બની પોતાના ખેતરોમાં ખેતી પીયતના પાણી પહોંચાડવા ડીઝલ એન્જિનને ઓછા ખર્ચે કેવી રીતે ચલાવાય તે દિશામાં મંથન શરૂ કર્યું હતું. રાતદિવસ એક કરી મહામહેનતે તેમને સફળતા મળી હતી. અગાઉ દિવસના 1500 રુપિયાના ખર્ચે તેઓ એક દિવસ ખેતરોમાં પાણી મુકતાં હતાં.જ્યારે એલપીજીના ઈંધણ વડે ડમકી ચલાવતા એક બોટલમાં છેલ્લાં 24 કલાકથી ડમકી ચાલુ છે. તેમજ હજુ પણ આ ડમકી ચાલુ છે. ફુલ પ્રેશરમાં પાણીનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે.સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રોત્સાહન આપી તેમને પડતી મુશ્કેલીઓનો અભ્યાસ કરી ખેડૂતો માટે બજેટમાં જોગવાઈ કરી ઓછા ખર્ચે વધુ ઉપજ કેવી રીતે મેળવે તે દિશામાં કામ કરશે તો જ દેશના ખેડૂત આત્મનિર્ભર બનશે અને દેશને વિકાસના પંથે લઈ જવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોઈ પણ ડીઝલથી ચાલતી કાર કે એન્જિન ગેસ ઉપર સફળ નથી થયું ત્યારે એક ખેડૂતે દેશી ડીઝલથી ચાલતી ડમકીને ગેસથી ચલાવી એક નવી પહેલ કરી છે.
આ પણ વાંચોઃકચ્છઃ વાવણી સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ