વડોદરાઃ જિલ્લાના ડભોઈમાં કોરોના કાળ દરમિયાન નવરાત્રિના આગલા દિવસ સુધી પણ માતાજીની પ્રતિમાઓની હાટડીઓમાં આવતી પ્રતિમાઓ જ આવી નથી. વેપારીઓનું કહેવું છે કે, ચાલુ વર્ષે માતાજીની પ્રતિમાની ખરીદી માટે ગ્રાહકો આવ્યા નથી અને ગરબીઓ પણ લોકો ઓછી જ લઈ જાય છે.
ડભોઇમાં પણ નવરાત્રિ પર્વને કોરનાનું ગ્રહણ નડ્યું છે. દર વર્ષે ડભોઈના રંગ ઉપવન નજીક એક સપ્તાહ પૂર્વે માતાજીની પ્રતિમાઓ અને ગરબીઓ માટેની હાટડીઓ મંડાતી હોય છે, પણ આ વર્ષે કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા નવરાત્રિ પર્વમાં ગરબા યોજવાની પરવાનગી અપાઈ નથી. જેને પગલે શેરી ગરબા સહિતના તમામ ગરબા અને શેરી-મહોલ્લામાં સ્થપાતી માતાજીની પ્રતિમાઓનું વેચાણ ઘટી ગયું.
આ વર્ષે કોરોનાને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ માતાજીની પ્રતિમાની સ્થાપના થઈ નથી. પરંતુ વિવિધ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમજ સેનેટાઈઝ સાથે ઓછી સંખ્યામાં ભક્તો સાથે આરતી કરવાની સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે. જેની અસર નવરાત્રિ સાથે સંકળાયેલા ધંધા વ્યાપારીઓ પર ખૂબ મોટા પ્રમાણમાં થઈ છે. નવરાત્રિ કોવિડ ગાઈડલાઇન મુજબ થવાને કારણે આ વર્ષે વેપારીઓ દ્વારા પ્રતિમાઓ જ બજારમાં વેચવા લવાઈ નથી. જ્યારે ગરબીઓમાં પણ ઓછી ઘરાકી હોવાનું વેપારીઓનું કહેવું છે.
17 ઓક્ટોબરથી માતાજીની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રીનો પ્રારંભ થાય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઇન અનુસાર જ નવરાત્રીની ઉજવણી કરવાના આદેશને પગલે ગરબા તો યોજવાના નથી પણ સાથે સાથે મંદિરોમાં આરતી સમયે પણ ભક્તોની ભીડ જમા ન થાય તે અંગે પણ ધ્યાન રાખવું અનિવાર્ય છે.