ઘણા સમયથી તબિયત નાદુરસ્ત હતી વડોદરાઃવૈષ્ણવ સંપ્રદાય માટે આજે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કારણ કે, શહેરમાં વૈષ્ણવ સંપ્રદાય તૃતીયા પીઠાધીશ્વર કાકરોલી નરેશ પૂજ્ય શ્રી વ્રજેશ કુમારજીનું નિધન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. પૂજ્ય વ્રજેશકુમારજીએ નાદૂરસ્ત તબિયત બાદ આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેના કારણે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં દુઃખની લાગણી પ્રસરી છે. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃરાજભા ગઢવી અને અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ હીરાબાને અર્પી શ્રદ્ધાંજલિ
મુખ્યપ્રધાને શોક સંદેશ પાઠવ્યોઃઆ અંગે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહે જણાવ્યું હતું કે, પુષ્ટિ સંપ્રદાયમાં સંવર્ધનની મુખ્ય ભૂમિકા જેમની રહી છે. તેવા કાંકરોલી નરેશ તરીકે તે જાણીતા છે અને તૃતીયા પીઠાધિશ્વર કાંકરોલી નરેશ જેમણે દેશવિદેશમાં નામના મેળવી છે. તેવા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી નિત્ય લીલામાં પધાર્યા છે. આ પ્રસંગે સમગ્ર વડોદરા શહેરના વૈષ્ણવ પરિવારમાં શોકની લાગણી છે.
આ ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થનાઃ તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાઘેશકુમાર મહોદય શ્રી પ.પૂ.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી કલ્યાણરાયજી હવેલી ખાતે બિરાજમાન હોય છે. આજે જે ઘડી આવી છે. તે સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે શોક સંદેશ આપ્યો હતો.
મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા:શહેરના કેવડાબાગ બેઠક મંદિરથી મોટી સંખ્યામાં વૈષ્ણવો અંતિમ યાત્રામાં જોડાયા હતા. ખસવાડી સ્મશાન સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. સાથે વડોદરા શહેર ઉપરાંત સમગ્ર વૈષ્ણવ પરિવારમા શોકની લાગણી ફેલાઈ છે. તેમના અંતિમ દર્શન બાદ શહેરના ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર યોજાયા હતા.
આ પણ વાંચોઃમૃત્યુને ઉત્સવની જેમ ઉજવવામાં આવ્યો, વાજતે ગાજતે નીકળી અંતિમયાત્રા
ગૃહ રાજ્યપ્રધાને ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો:રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી જણાવ્યું કે, પ્રેમ, શાંતિ અને સત્યના માર્ગે ચાલવાની પ્રેરણા પૂરી પાડતા શુદ્ધાદૈત પુષ્ટિમાર્ગીય વલ્લભકુલ ભૂષણ બ્રમ્હર્ષિ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમાર મહારાજશ્રીનું દેહાવસાન અત્યંત દુઃખદ છે. પ્રભુ દિવ્યઆત્માને શાંતિ અર્પે અને ભક્તગણોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી અભ્યર્થના.