બુલેટ ટ્રેન પ્રોજેકટથી વડોદરા વાસીઓ થયા હેરાન, તંત્રના આંખ આડા કાન વડોદરા: નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પૂરો કરવામાં જનતાનું હોમ ડ્રિમ તૂટી ના જાય તો સારું છે. ઘરને બનાવા અને ઘરને સજાવા માટે સામાન્ય માણસ પોતાના જીવનની પૂજી વપરાશમાં લઇ લેતો હોય છે. મોદીજીના સપનું પૂર્ણ કરવામાં અનેક સપનામાં તિરાડ પડી છે. કારણ કે વડોદરામાં આવેલા જેતલપુર વિસ્તારમાં આવેલ રામચંદ્ર બિલ્ડિંગના રહીશોના ઘરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. મશીનોના અવાજથી ધ્રુજારી થતા જૂની બિલ્ડીંગ હોવાથી તિરાડો જોવા મળી રહી છે. બુલેટ ટ્રેનનો કોઈને ફાયદો થાય કે ના થાય હાલ તો બુલેટ ટ્રેન પ્રોજેકટથી નુકશાન ચોક્કસ થઇ રહ્યું છે. લોકોએ તંત્રને અનેક વાર રજૂઆત કરી છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો Vadodara Crime : કંપનીના પતરા ઉંચા કરી ભંગાર સમજીને 1.44 કરોડની ચોરી કરનાર 8 મહિલાઓ ઝડપાઈ
સ્થાનિકોના આક્ષેપ:મહારાષ્ટ્રના મુંબઈથી ગુજરાતના અમદાવાદ સુધી બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થનાર છે. તેવા શહેરના જેતલપુર ગરનાળા પાસે આવેલ રામચંદ્ર બિલ્ડિંગના રહીશો ભયના ઓથાર વચ્ચે જીવી રહ્યા છે. આ કામગીરી દરમ્યાન મોટા મોટા મશીન દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીના કારણે વર્ષો જૂની બિલ્ડીંગ અવાજના કારણે ધ્રુજી રહી છે. જેથી રાત્રે સૂઈ શકતા નથી. આ સાથે રહીશો કહી રહ્યા છે કે, રોજ બિલ્ડિંગમાં તિરાડો અને ઈંટો પડી રહી છે. સાથે સંપાદિત કરેલ કોમન પ્લોટ ના પૈસા પણ અમને નથી મળ્યા તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. આ અંગે ETV BHARAT દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી.
બિલ્ડિંગમાં તિરાડો: આ અંગે સ્થાનિક રાખીબેન નિમ્બાડકરે જણાવ્યું હતું કે, અમે રામચંદ્ર બિલ્ડીંગમાં રહીએ છીએ. અમારા રોડની નજીકની બાજુમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. દિવસ રાત મશીનોના અવાજથી અમારી બિલ્ડીંગને નુકસાન થઈ રહ્યું છે. આ બિલ્ડીંગ અડધી રાત્રે પડી જશે, તો અમારું શુ થશે. ધ્રુજારીને કારણે આખા બિલ્ડીંગમાં તિરાડો પડી ગઈ છે. અમને આખી રાત ઉંઘ નથી આવતી. આ બિલ્ડીંગ પડે તો જવાબદારી કોની રેલ્વેની કે પ્રદ્યુમ્ન પટેલની કે જે આ બિલ્ડિંગના માલિક છે. અમારી બિલ્ડીંગની સામે પણ એક બિંબ આવી રહ્યો છે ત્યારે કેવી હાલત થશે.
રાત્રે ડરના કારણે બહાર:આ અંગે અન્ય સ્થાનિક અનીષ પઠાણે જણાવ્યું હતું કે,રામચંદ્ર બિલ્ડીંગ રેલવે ગરનાળાની બાજુમાં આવેલી છે. દિવસ રાત કરવામાં આવી રહેલા રેલવે તંત્રની કામગીરી બિલ્ડીંગની બાજુમાં હોવાના કારણે 120 વર્ષ જૂની આ બિલ્ડિંગમાં ધ્રુજારીથી નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે. હવે બિલ્ડીંગની 50 ફૂટ ના અંતરમાં કામગીરી કરશે તો શું થશે? વારંવાર થતા વાઈબ્રેશનથી અમે રાત્રે બહાર આવી જઈએ છીએ. રાત્રે ડરના કારણે બહાર સુઈ રહ્યા છીએ. હાલમાં 3 જેટલા મકાન તો અમે ખાલી કરાવ્યા છે. કારણ કે નાના બાળકો રહેતા હતા.અન્ય પરિવાર અહીં રહે છે.
આ પણ વાંચો Bullet Train Project Farmers Benefits : વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપનારા લખલૂટ કમાયાં, કુલ 1,016 કરોડ ચૂકવાયા
બિલ્ડિંગની મને પણ ચિંતા: આ અંગે બિલ્ડીંગના માલિક જોડે ETV BHARAT દ્વારા ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે જમીન આપવામાં આવી છે તે જમીન મારી પોતાની માલિકીની છે. આ બિલ્ડિંગના સ્થાનિકો સાથે મેં મિટિંગ પણ કરી હતી. મેં તે લોકોને કહ્યું હતું કે, તમે કોર્ટમાં જવું હોય તો જઈ શકો છો. રામચંદ્ર બિલ્ડિંગની મને પણ ચિંતા છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન બિલ્ડીંગને નુકસાન થઈ શકે છે. જેને લઈને મેં કલેક્ટરમાં અરજી પણ આપી છે. મારી અરજી લેવામાં આવી નહોતી.