વડોદરા: શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન ઓળવી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે આદેશ કર્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ખાનગી બાંધકામ:ખોટો દસ્તાવેજોના આધારે છેલ્લા ત્રણ દાયકાથી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખી રહેલા આ ભૂમાફિયાની કરમકુંડળી વડોદરા શહેર પ્રાંત અધિકારીની ફેરણી દરમિયાન ધ્યાને આવી હતી. તલાટીના સામાન્ય દફતર તપાસણી દરમિયાન દંતેશ્વરના સર્વે નંબર 541માં આકાર પામનારા કાનન વિલા 1 અને 2નું કૌભાંડ ધ્યાને આવ્યું હતું. આ ભૂમાફિયાનું કારસ્તાન એવું હતું કે, દંતેશ્વરના સર્વે નંબર 541ની 16086 ચોરસ મીટર જમીન મૂળથી સરકારી હતી. તેના ઉપર ગામ નમૂના નંબર સાત અને બારના ઉતારા જોતા આ બાબત ધ્યાને આવી હતી. સરકારી જમીન ઉપર ખાનગી બાંધકામ કેવી રીતે થઇ શકે? આ બાબતની મહેસુલી તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
બંગલો બનાવ્યા:તપાસમાં એવી હકીકતલક્ષી વિગતો સામે આવી કે, આ સર્વે નંબરમાં 1990ના દાયકાના શરતફેરના હુકમો, બિનખેતીના હુકમોથી સિટી સર્વેમાં વર્ષ 2021માં માલિકીપણાની નોંધો પડાવી દીધી હતી. એ દરમિયાન એમાં નગરરચનાના અંતિમ ખંડ નંબર 873, 879 અને 881 પણ પડી ગયા હતા. સરકારી જમીન ઉપર સંજયસિંહ બચુસિંહ પરમારે આલિશાન બંગલો પણ ખડકી દીધો હતો. આટલું જ નહીં, તેમણે અન્ય જમીનના ગણોતિયા હોવાના દસ્તાવેજોનો ઉપયોગ કરી, ખોટા હુકમો બનાવી મહીજીભાઇ જીણાભાઇ રાઠોડનું નામ દાખલ કરાવી દીધું હતું. વળી, ખોટા પેઢીનામા બનાવી મહીજીભાઇના વારસદારોના નામોની પણ એન્ટ્રી પડાવી દીધી હતી. એમાંથી મહીજીભાઇના વારસ શાંતાબેન ઉર્ફે ગજરાબેન રાઠોડના નામે પણ રેકર્ડમાં એન્ટ્રી પડાવી દીધી હતી.