વડોદરા: શહેર પોલીસ કમિશનરના તાબા હેઠળના પોલીસ મથકોના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચીની બનાવટના મોબાઇલ ફોનની જાહેરાત કરતા સાઇન બોર્ડ દુર કરવાની માગ સાથે સામાજીક કાર્યકર ચિરાગ કડીયાની આગેવાનીમાં અગ્રણીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું.
"મેડ ઈન ચાઈના"નો બહિષ્કાર કરવો અને તેની જાહેરાત દર્શાવતા બોર્ડ દુર કરવાનો પણ વિરોધ શરુ થયો
ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘૂસી સૈનિકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના નિંદનીય બનાવનો પ્રચંડ વિરોધનો સૂર દેશભરમાં ઉઠ્યો છે. ચીની બનાવટની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવો અને તેની જાહેરાત દર્શાવતા બોર્ડ દુર કરવાનો વિરોધ પણ શરુ થયો છે.
જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુપ્રત કરવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે, ચીની સેના દ્વારા ભારતની સરહદમાં પ્રવેશ બાદ ભારતીય સૈનિકો પર હુમલો કરતા 20 જવાનો શહીદ થયા હતા. દેશભરમાં ચીનને આર્થિક ફટકો મારવાના ભાગરૂપે ચીન બનાવટની ચીજવસ્તુઓના વેચાણનો બહિષ્કાર કરવો તથા ચીની બનાવટની જાહેરાત દર્શાવતા સાઇન બોર્ડ ચીની એપને દુર કરવાની માગ વધુ પ્રબળ બની રહી છે. ત્યારે શહેર પોલીસ કમિશનરના તાબા હસ્તકના પોલીસ મથકોના નામ દર્શાવતાં સાઇન બોર્ડમાં ચીની બનાવટના મોબાઇલ ફોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આથી આવા તમામ સાઇન બોર્ડ વહેલી તકે દૂર કરવાની માગ કરવામાં આવી છે.