વડોદરા : ભાયલીના નિવાસી હર્ષિલ, મનન અને નંદની આ બાળ કિશોરો શુક્રવાર તારીખ 20 જાન્યુઆરીની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે. એમની શુક્રવારના આગમન માટેની આ તીવ્ર ઉત્સુકતાનું કારણ એ છે કે તે દિવસે વડોદરાના વન્ય પ્રાણી વિભાગે રામસર સાઈટ અને પક્ષી તીર્થ વઢવાણા ખાતે યોજાયેલી મોસમી પક્ષી ગણતરી છે. આ પક્ષી ગણતરી માટેની નિષ્ણાતો અને અનુભવી વન કર્મચારીઓની ટીમમાં આ બાળ કિશોરોનો અધિકૃત સદસ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
100થી વધુ જાતોના પક્ષીઓ : લગભગ છેલ્લા ચાર વર્ષથી અત્યાર સુધી ભાયલીના નાનકડા ગામ તળાવ ખાતે આવતા દેશી અને યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરીને 100થી વધુ જાતોના પક્ષીઓને ઓળખતા થયાં છે. પક્ષીઓ સાથેની તેમની આ ઊંડી મૈત્રીને પગલે તેમનો પીઢ પક્ષી ગણતરીકારોમાં સાવ કુમળી વયે સમાવેશ થયો છે. તેઓ આ સન્માનજનક જવાબદારીથી પોરસ અનુભવી રહ્યાં છે. રાજ્યના પક્ષી તીર્થો ખાતે શિયાળુ યાયાવર પક્ષીઓના આગમનને પગલે દર વર્ષે એકથી વધુ વાર મોસમી પક્ષી ગણના નિયમિત હાથ ધરવામાં આવે છે.
બાળ કિશોરોને જોડવાનો પ્રસંગ :તેમાં ગણતરીકાર તરીકે બાળ કિશોરોને જોડવાનો આ પ્રથમ પ્રસંગ છે અને બાળ ગણતરીકાર બનવાનું ગૌરવ વડોદરાના પક્ષી મિત્ર બાળકોને મળ્યું છે. સયાજીરાવ મહારાજે ખેતી અને પ્રકૃતિના જતન માટે સદી પહેલાં બનાવેલું આ વિશાળ જળાશય, તેની નજીક સર્જાતી ઓછા પાણીવાળી કાદવિયા કળન ભૂમિ - વેટ લેન્ડને લીધે યાયાવર પક્ષીઓ માટે પ્રિય શિયાળુ વિસામો બન્યું છે. અહીં દર વર્ષે શિયાળામાં હજારો કિલોમીટર ઉડીને જાત જાત અને ભાત ભાતના હજારો પક્ષીઓ એમના પ્રદેશની કાતિલ શીતળતા છોડીને ભારતનો હૂંફાળો શિયાળો માણવા આવે છે. તેઓ અહીં પ્રજનન કરે છે એટલે આ જગ્યા એમના માટે આદર્શ પ્રસુતિગૃહ પણ બની છે.
રામસર સાઈટની ગૌરવભરી :આ છીછરા જળ વાળી જગ્યાને રાજ્યની એકમાત્ર માનવનિર્મિત રામસર સાઈટની ગૌરવભરી ઓળખ મળી છે અને વડોદરા જિલ્લો અને ગુજરાત માટે પર્યાવરણ પ્રવાસનનું ધામ આ જળાશય બન્યું છે. તેની જાળવણી અને સંવર્ધન વન્ય જીવ વિભાગ વડોદરા દ્વારા થઈ રહી છે. આ પક્ષી ગણતરી દેશના મહાન પક્ષીવિદ્ સલીમઅલી સાહેબ દ્વારા સ્થાપિત અને આ ક્ષેત્રની અધિકૃત ગણાતી સંસ્થા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ ઠરાવેલી વૈજ્ઞાનિક કાર્યપદ્ધતિ હેઠળ અને તેમના પ્રતિનિધિઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. એટલે આ ગણતરી ટીમમાં સ્થાન મેળવીને પક્ષીમિત્ર બાળકોએ વડોદરાને ગૌરવ અપાવ્યું છે.