બેન્ક ઓફ બરોડામાં કલાર્ક અને કેશિયરની રુપિયા 32થી 35 હજારની નોકરી આપવાની લાલચ આપી બોગસ જવાબ લેટરો બનાવી ઠગાઇ કરતી ત્રિપુટીને SOG પોલીસે ઝડપી પાડી હતી. વડોદરાના ગોત્રી હરિનગર ચાર રસ્તા પાસે આવેલા સુનેર કોમ્પલેક્ષના ત્રીજા માળે 11 નંબરની ઓફિસમાં ધવલ ભાવસાર, મહેબુબ દીવાન અને વિશાલ પંચાલ બેન્ક ઓફ બરોડામાં ક્લાર્ક અને કેશિયરની નોકરી આપવાની લાલચે જરુરિયાત મંદો પાસેથી મોટી રકમ પડાવી હતી. તેમજ BOBના બોગસ જોબ લેટર આપી નોકરીવાચ્છુ સાથે ઠગાઇ કરી રહ્યા હોવાની બાતમી મળતા SOGની ટીમે દરોડા પાડી ત્રણ ભેજાબાજોને ઝડપી પાડી હતી. SOGએ ઓફિસમાં તપાસ કરતા 16 બોગસ જોબ લેટર, 3 મોબાઇલ ફોન અને એક લેપટોપ મળીને કુલ 35,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરામાં BOBના બોગસ જોબ લેટર બતાવી લાખોની છેતરપિંડી
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં ચોરી, લૂંટ અનેે ગુનાખોરીના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. બેન્ક ઓફ બરોડમાં મહિને રુપિયા 32થી 35 હજારની નોકરી આપવાની લાલચ આપી બેરોજગારોને BOB બોગસ જોબ લેટરો બનાવી વોટ્સએપ ઉપર જરુરિયાત મંદોને બતાવી છેતરપિંડી કરી હતી. એક વ્યક્તિ દીઠ રુપિયા 3થી 7 લાખ મેળવી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સભ્યોની SOGએ ધરપકડ કરી હતી.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, વિશાલ પંચાલ એ મુખ્ય આરોપી છે જે બેન્ક ઓફ બરોડા જોબ લેટર બનાવતો હતો. અન્ય બે આરોપી ધવલ ભાવસાર અને મહેબુબ દિવાને નોકરી વાંચ્છુઓને શોધીને તેમની પાસે ઠગાઇ કરતો હતો. આ ભેજાબાજોએ જે જરુરિયાત મંદો સાથે ઠગાઇ કરી હતી તે ત્રણે ભોગ બનનારા પોલીસ સમક્ષ આવ્યા હતા અને પોલીસે ત્રણેય ભોગ બનનારની પૂછપરથ હાથ ધરી હતી. આ ઉપરાંત અન્ય વ્યક્તિ જો આ રીતે ભોગ બન્યો હોય તો પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરી હતી. ગોરવા પોલીસ સ્ટેશનમાં આ ત્રિપુટી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની તપાસ SOG કરશે અને તે આજે ત્રણેય આરોપીને નામાદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરવામાં આવશે. તે બાદ રિમાન્ડ દરમિયાન જ અનેક ખુલાસાઓ થઇ શકશે.