વડોદરા: શહેરના દશરથ ગામ પાસે એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ભરીને આણંદ ખાતે ડિલીવરી કરવા જતી પીકઅપ ગાડીને એક્સપ્રેસ હાઇવે પર જિલ્લા પોલીસે ઝડપી પાડી હતી. દારૂ સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી.
વડોદરાના આજોડ ગામની સીમમાંથી દારૂ ઝડપાયો, પોલીસે 1 આરોપીને વોન્ટેડ જાહેર કર્યો
વડોદરા શહેરમાં વધુ એક દારૂની ગાડી પોલીસના સંકજામાં આવી છે. શહેરના દશરથ ગામ પાસે એક ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ભરીને આણંદ ખાતે ડિલીવરી કરવા જતી પીકઅપ ગાડીને એક્સપ્રેસ હાઇવે પર જિલ્લા પોલીસે ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે.
વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવે પર આજોડ ગામની સીમમાં LCBની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. સફેદ રંગની બોલેરો પીકઅપ ગાડીને રોકી તપાસ કરતા વિદેશી દારૂની 648 બોટલો ભરેલી 54 પેટી મળી હતી.
જિલ્લા પોલીસે વિદેશી દારૂનો જથ્થો, બે મોબાઇલ અને ગાડી સહિત કુલ રૂપિયા.6.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ગાડી ચાલક ઘેવરચંદ ભગીરથરામ બિશનોઇની અટકાયત કરી તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો પ્રશાંત ઉર્ફે અનિલ સુરેશચન્દ્ર કુમારે દશરથ ગામ નજીક સ્કોડા કારના શો રૂમ પાછળના ગોડાઉનમાંથી ભરીને આપ્યો હતો તેવું જાણવા મળ્યું હતું. આણંદ જૂના નેશનલ હાઇવે પર બીટુના ઢાબા નજીક અમદાવાદના મનીષ પુરોહિતને ફોન કરી તે જ્યાં કહે ત્યાં પહોંચાડવાનો હતો. પોલીસે પ્રશાંત અને મનીષને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.