વડોદરાઃ શહેરમાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવી ચૂકેલા નિવૃત અધિકારી વિરુદ્ધ એસીબીએ 1.26 કરોડની અપ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધી છે. સિંચાઈ વિભાગના તત્કાલીન અધિક મદદનીશ ઈજનેર ગિરીશ જયંતીલાલ શાહ અગાઉ 43,000 ની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયા હતા. આ દરમિયાન એસીબીએ ગિરીશ જયંતીલાલ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
વડોદરા: ACBની તપાસમાં 1.26 કરોડની અપ્રમાણસર મિલકત પકડાઈ
વડોદરા સિંચાઈ પેટા વિભાગના અધિક મદદનીશ ઈજનેર ગિરીશ જે. શાહની રૂપિયા 1.26 કરોડની અપ્રમાણસર મિલકતો એસીબી વડોદરા ગ્રામ્ય પીઆઈ કે.વી. લાકોડની તપાસમાં પકડાઈ હતી. વડોદરા એસીબીએ તેઓની વિરુદ્ધ રવિવારે વધુ એક અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, એસીબીની તપાસ દરમિયાન તારીખ 1 એપ્રિલ, 2010 થી 1 માર્ચ, 2019 સુધીના સમયમાં મદદનીશ ઈજનેર ગિરીશ શાહે પોતાની ફરજ સમયે રૂપિયા 1,26,28,029 (એક કરોડ છવ્વીસ લાખ અઠ્ઠાવીસ હજાર ઓગણત્રીસ રૂપિયા )ની વધુ અપ્રમાણસર મિલકતો જણાઈ આવી હતી અને કાયદેસરની આવક કરતાં 64.91 ટકા વધુ હોવાનું તપાસમાં જણાયું હતું.
આ ઉપરાંત અપ્રમાણસરની મિલકતોમાં ગિરીશ શાહ, તેઓની પત્ની કલ્પનાબેન અને પુત્રના નામે બેન્ક ખાતાઓમાં રોકડ, એફડી, એલઆઈસી, શેર બજારમાં રોકાણ, અન્ય પોલિસીઓ સહિત લાખોનો ઉલ્લેખ મળી આવ્યો હતો. આ ઉપરાંત તેઓની પત્ની અને પુત્રના નામે રાજકોટ ખાતે બે રહેણાંક પ્લોટ, વડોદરા ખાતે મકાન - ફલેટ અને નવદુર્ગા ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે પાંચ પ્લોટ, અન્ય જમીનો વગેરે 58 લાખ જેટલી મિલકતો મળી આવી હતી. તેમજ ગિરીશ શાહે ત્રણ વખત વિદેશ પ્રવાસ પણ કર્યો છે. તેની વિગતો મળી આવી હતી. જેને લઈ એસીબીએ વધુ એક અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.