વડોદરા: પ્રિમેચ્યોર ડીલીવરી વખતે ઘણી માતાઓને ધાવણ ન આવવાની સમસ્યા હોય છે. માતા બિમાર હોય અથવા બાળક તરછોડાયેલું હોય એવા સમયે SSG એટલે કે સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલ ખાતે આવેલી મધર મિલ્ક બેન્ક વરદાનરૂપ સાબિત થઇ રહી છે. ધાત્રી માતાઓ આ મિલ્ક બેન્કમાં દૂધનું દાન કરે છે. જેને ધાવણથી વંચિત નવજાત શિશુઓ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક દ્વારા નવજાત શિશુઓ માટે ચાલે છે સેવાયજ્ઞ - વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક ખૂલી
વડોદરાની SSG હોસ્પિટલમાં મધર મિલ્ક બેન્ક ખોલવામાં આવી છે. જેમાં માતાના દૂધની થાપણ જમા થાય છે. નવજાત શિશુઓ માટે ચાલતા આ અનોખા સેવાયજ્ઞમાં અત્યાર સુધી 592 જેટલી માતાઓએ 64,600 ML દૂધનું દાન કર્યું છે. બાળ મૃત્યુદર ઘટાડવા અને કૂપોષણ નિવારવામાં આ મધર મિલ્ક બેન્ક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ બેન્કના સંચાલિકા અને બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ.શીલા અય્યરે જણાવ્યું હતું કે, આ બેન્કને શરૂ થયાના ટૂંકા સમયમાં જ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દૂધ દાન કરતી માતાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દૂધને પાશ્ચરાઈઝ્ડ કરીને બેક્ટેરિયા મુક્ત કરવામાં આવે છે અને નિશ્ચિત તાપમાને 6 મહિના સુધી સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે. અત્યાર સુધીમાં 592 જેટલી માતાઓએ 64,600 ML દૂધનું દાન કર્યું છે અને 727 જેટલા બાળકોના આરોગ્યના સંવર્ધનમાં યોગદાન આપ્યું છે.
નવજાત શિશુ માટે માતાનુ દૂધ ખૂબ ગુણકારી હોય છે. દૂધમાં કાર્બોહાઈટ્રેડ પ્રોટીન જેવા અનેક લાભદાયી તત્વો રહેલા હોય છે. આ ઉપરાંત નવજાત શિશુને માતાનું દૂધ પચવામાં સરળ અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરનારૂં હોય છે.