વડોદરાઃ શહેરમાં છેલ્લા ગણતરીના કલાકોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે. શનિવારના રોજ મકરપુરા GIDCમાં પ્લાસ્ટિકના જગ બનાવતી કંપનીમાં રવિવારે બપોરના સુમારે કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલી સોફ્ટવેર બનાવતી કંપની ન્યુમરેટરમાં આગ લાગવાની ઘટના બની હતી. જયારે નમતી સાંજે કારમાં આગ લાગવાની ઘટનાએ તંત્રમાં દોડધામ મચી હતી.
વડોદરામાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો - વડોદરા
વડોદરા શહેરના સયાજીગંજ પેરેડાઈઝ કોમ્પ્લેક્સ સામે પાર્ક કરેલી એક કારમાં એકાએક આગ લાગતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પેરેડાઈઝ કોમ્પ્લેક્સ સામે વિશ્વામિત્રી નદી નજીક ઉપરના ભાગે એક પાર્ક કરેલી કારમાં આગળના ભાગે આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં એક તબક્કે લોકોના જીવ તાળવે બંધાયા હતા. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને બે તરફી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જે કારમાં આગ લાગી હતી. તેની બાજુમાં પણ બીજી બે કાર પાર્ક થયેલ હતી. જે પણ આગની લપેટમાં આવે તે પહેલાં જ સતર્કતાથી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી. આ પાર્ક કરેલી કારમાં આકસ્મિક આગ લાગી હતી, કે કોઈ અજાણ્યા શખ્સે દ્વારા કારને આગ ચાંપી દેવામાં આવી હતી. આ અંગે સયાજીગંજ પોલીસે આગળની તપાસ હાથધરી છે.