નર્મદાઃ જિલ્લાનું કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દેશના મહત્વના પ્રવાસન સ્થળો તરીકે વિકસી રહેલા કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા-ડભોઇ-કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વડોદરા જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું. ડભોઇના પ્રાંત અધિકારી અને તાલુકા ટીમે 14 દરખાસ્તો હેઠળ તબક્કાવાર કામગીરી પૂર્ણ કરી છે.
વડોદરા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનોના સમયબદ્ધ અને ઝડપી સંપાદન દ્વારા તેને સાકાર કરવામાં ખૂબ મહેનત કરી રહ્યું છે, અને લોકડાઉન વચ્ચે પણ આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની 6,13,628 ચો.મી. જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવેને સોંપી દીધો છે.