તાપી : વ્યારાના શંકર ફળિયા ડિમોલિશનનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે, વાત કઈ એવી છે કે ગત તા.22 મી જૂનના રોજ શંકર ફળિયામાં 70 જેટલા મકાનોનું ડિમોલોશન કરાયું હતું. જેમાં સ્થાનિકોના મતે વરસાદને પગલે કેટલાક પીડિતોને વૈકલ્પિક જગ્યા ન મળતા તેઓ વિવાદિત જગ્યા પર પાછા આવી તાડપત્રી બાંધી રહેતા હતાં. જેમને પોલીસે અટકાવ્યા હતા અને તેમને જગ્યા ખાલી કરી જવા કહેવાયું હતું. આજે સવારે આ બાબતે મામલો વધુ ગરમાતા પોલીસે સ્થાનિકો પર હળવો બળપ્રયોગ કર્યો હોવાનો વીડિયો પંથકમાં વાઇરલ થયો હતો.
ગેરકાયદે જગ્યા પર ફરી તાંડપત્રી બાંધી છેલ્લા બે ત્રણ દિવસથી રહેતા કેટલાક લોકોને દબાણ દૂર કરવા માટે વારંવાર કહેવાયું હતું. તેમ છતાં તેમણે દબાણ હટાવ્યું ન હતું, આજે ફરી કહેવા જતા પોલીસ સાથે સ્થાનિકોએ ધક્કામુક્કી કરી ત્રણ જેટલા પોલીસકર્મીઓને ઇજા પહોંચાડી હતી. જેમાં મહિલા પોલીસ ઇન્સ્પેકટરનો પણ સમાવેશ થાય છે...પોલીસ અધિકારી(વ્યારા પોલીસ)
16 ઈસમો વિરુદ્ધ ફરિયાદ: આ વાતને લઇને તાપી જિલ્લાના વ્યારાના શંકર ફળિયામાં પોલીસ દમનગીરી કરી રહી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે. જ્યારે આ આક્ષેપો ખોટા હોવાનું કહી સ્થાનિકોએ જ પોલીસકર્મીઓને ધક્કે ચઢાવ્યાં હોવાનું તાપી પોલીસનું કહેવું છે. પરંતુ આને લઈ વ્યારા નગરનું વાતાવરણ ચોક્કસ ગરમાયું છે. આ તમામ મામલે મહિલા પીઆઇએ ફરિયાદ કરતા પોલીસે 16 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોધી આગળની કાર્યવાહી શરુ કરી છે.
મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરના વાળ ખેંચ્યાં : પોલીસની ફરિયાદમાં જણાવાયા પ્રમાણે પોલીસકર્મીઓની ફરજમાં રુકાવટ કરવા સહિત મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટરના વાળ ખેંચી, બીજા પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કીનો માર તથા લોકો દ્વારા પોલીસને આપવામાં આવેલ મારી નાખવાની ધમકીઓ બાબતે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આ ધક્કામુક્કીમાં એક સ્થાનિક પણ ઇજાગ્રસ્ત થયા હોઇ તચેમને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતાં.
ગેરકાયદે દબાણ હટાવાયું હતું: જૂન મહિનાની 22મીએ વ્યારામાં આવેલ શંકર ફળિયામાં ગુરૂવારે વહેલી સવારે ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 70 ઘરને તોડી નાખવામાં આવ્યા હતા. અહીં સરકારી જમીન પર વર્ષોથી રહેતા લોકોએ બનાવેલા ઘર પર બુલડોઝર ચલાવી દેવાયું હતું. વ્યારા પોલીસ હેડ કવાર્ટરને અડીને આવેલો આ વિસ્તાર છે.
ચર્ચાનો વિષય બન્યો : આ તમામ મામલે સ્થાનિકો દ્વારા રાજકારણીઓ સહિત મોટા ગજાના નેતાઓ કેમ ચૂપકીદી સાધી બેઠા છે તેવું પૂછાઇ રહ્યું છે. સ્થાનિક રાજકારણીઓ આ વિષય પર કંઇ કહેવાથી દુર ભાગી રહ્યા છે જે એક નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શંકર ફળિયા ડિમોલિશન વિવાદ આગળ કયું સ્વરૂપ ધારણ કરે છે.
- Tapi News: તાપી પોલીસ દ્વારા સરકારી જમીન પર ડિમોલેશન હાથ ધરાયું
- Tapi News: મણિપુરમાં બનેલી હિંસક ઘટના અંગે તાપી જિલ્લા કલકટરને આવેદન આપવામાં આવ્યું
- Surat News: સુરતના પૂર્વ મહિલા ધારાસભ્ય ઝંખના પટેલના ફાર્મ હાઉસનું ડિમોલેશન, ડુમસમાં ટીપી રોડ ખોલવા માટે કાર્યવાહી