- આરોપીઓ સાતીર હતા તેથી પોલીસને ઉધા ચશ્મા પહેરાવતા હતા
- પોલીસે સખ્તાઇપુર્વક પુછપરછ કરતા આરોપીઓએ લૂંટના ગુન્હાની કબૂલાત આપી હતી
- છેલ્લા આઠ દિવસ સુધી આ દુધ મંડળીના કર્મચારીને લૂંટ માટે રેકી કરતા હતા
સુરેન્દ્રનગર: થાનગઢ નજીક વરમાધાર બોર્ડ પાસે વર્ષે 2018માં દુધ મંડળીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 14.80 લાખ ભરેલા થેલાની લૂંટ કરનારા ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. તેમજ જેલના સળીયા ગણતા કરી દીધા.
બુકાની ધારીઓ 14.80 લાખનો થેલો ઝુટવી ફરાર થયા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે વર્ષ 2018માં વરમાધાર નજીક દુધ મંડળીના કર્મચારી બેંકમાંથી રૂપિયા 14.80 લાખ ઉપાડી રીક્ષામાં બેસીને થાનગઢ વરમાધાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ચાર બુકાની ધારીઓએ કર્મચારી ખીમાભાઇ રબારીને આરોપીઓએ સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર વચ્ચે મુકીને આંતરીયા હતા. દેશી તમંચા જેવું હથીયાર બતાવીને આંખમાં મરચાની ભૂકી છાટીને તેઓની પાસે રહેલા રૂપિયા 14.80 લાખનો થેલો ઝુટવી ફરાર થયા હતા.
આ પણ વાંચો:કામરેજમાં અસામાજિક તત્ત્વોનો આતંક, હોટલમાં ઘૂસી માલિકને માર મારી લૂંટ ચલાવી
પોલીસને આરોપીની કોઇ કડી મળતી ન હતી
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અનેક પ્રયત્ન છતા આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી પોલીસની પકડથી દુર હતા, પરંતુ પોલીસને આરોપીની કોઇ કડી મળતી ન હતી. ત્યારે તાજેતરમાંજ સુરેન્દ્રનગર LCB ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2018માં દુધ મંડળીના કર્મચારીને લૂંટનારા લૂટારૂઓ સોનગઢ ગામની સીમમાં આવવાના હોઈ પોલીસે પુરી તૈયારી સાથે સોનગઢ ગામે વાડીના ઓરડીમાં છાપો મારીને આરોપીઓ શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા, મહેશ નાથાભાઈ ઝાલા, વાઘાભાઇ મનસુખભાઇ કીહલા ઝડપી પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી.
સાત આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો
આરોપીઓ સાતીર હતા તેથી પોલીસને ઉધા ચશ્મા પહેરાવતા હતા. જેથી પોલીસે સખ્તાઇપુર્વક પુછપરછ કરતા આરોપીઓએ લૂંટના ગુન્હાની કબૂલાત આપી હતી કે સાત આરોપીઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો. તેઓ છેલ્લા આઠ દિવસ સુધી આ દુધ મંડળીના કર્મચારીને લૂંટ માટે રેકી કરતા હતા અને કર્મચારી પર નજર રાખતા હતા. ત્યારે કર્મચારી થાનગઢ બેંકમાંથી રૂપિયા ઉપાડી અને નિકળતા તેઓની પાછળથી રીક્ષા આતરી અને તેઓએ રૂપિયા 14.80 લાખની લૂંટ કરી અને વાડીએ જઇને આ લૂંટની રકમનો સરખો ભાગ પાડી લીધો હતો.
થાનગઢમાં રૂપિયા 14.80 લાખની લૂંટના આરોપી ઝડપાયા આ પણ વાંચો:વડોદરા હાલોલ પેટ્રોલ પંપ પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો
LCB પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી
LCB પોલીસે ઝડપાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને લૂંટના રૂપિયા 77 હજાર રોકડા મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા હતા. અન્ય ચાર આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. હવે પોલીસ ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કેટલા ગુન્હાઓ આચરેલા છે અને અન્ય કેટલી જગ્યાએ લૂંટ કરેલ છે તેમજ અન્ય રોકડ રકમ કયા સંતાડેલી છે તેની તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે અઢી વર્ષ પહેલા થયેલા રૂપિયા 14.80 લાખની લૂંટના ભેદ પરથી પડદો પાડી દીધો છે, પરંતુ હવે ફરાર આરોપીઓ પોલીસના હાથે ક્યારે ઝડપાય છે અને આરોપીઓને કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું.