સારોલી પોલીસ સ્ટેશનમાં એક યુવકનું મોત સુરત :ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી હાલ સુરત શહેરમાં સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે. આ વચ્ચે ટ્રિપલ સવારી કેસમાં પકડાયેલા એક આરોપી પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામતા પરિવારે ન્યાયની માંગણી કરી છે. સુરત શહેરના સરોલી પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત થતા પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે. જોકે, આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને ચક્કર આવતા તે ઢળી પડ્યો હતો અને ત્યારબાદ મૃત્યુ પામ્યો છે.
શું હતો બનાવ ? પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર બાઈક પર ત્રણ લોકો સવારી કરી જઈ રહ્યા હતા. જેઓ પર સારોલી પોલીસની નજર પડતા પોલીસ કાર્યવાહી કરવા માટે તેમને રોકે તે પહેલા એક બાઈક સવાર ત્યાંથી નાસી ગયો હતો. જેથી શંકાના આધારે બે લોકોને સારોલી પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા. પોલીસ સ્ટેશનની અંદર બેમાંથી એક વ્યક્તિ સંદીપ ભરત વેકરીયા અચાનક જ ઢળી પડ્યો હતો. તેને પોલીસ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ કરી પોલીસ પર અનેક સવાલો પણ ઉઠાવ્યા છે. મૃત વ્યક્તિ સંદીપ કાપડની દલાલી કરતો હતો.
પોલીસ સ્ટેશનમાં સંદીપ વેકરીયા નામના યુવાનને અચાનક જ ચક્કર આવી જતા તે ઢળી પડ્યો હતો. એટલું જ નહીં તેના મોઢામાંથી ફીણ પણ નીકળવા લાગ્યા હતા. જેથી અમે તાત્કાલિક તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મિમેર હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. વધુ તપાસ હાલ ચાલી રહી છે.-- ભક્તિ ઠાકર (DCP)
તટસ્થ તપાસની માંગ : મૃતક સંદીપના પરિવારના સભ્ય મહેશ કાનાણીએ જણાવ્યું હતું કે, મોડી રાત સુધી તેમના મામાનો પુત્ર સંદીપ વેકરીયા ઘરે નહીં આવતા તે અંગે તેમના મામાએ તેમને જાણ કરી હતી. સંદીપને ચારથી પાંચ ફોન કરવામાં આવ્યા હતા. પરંતુ તેને રીસીવ કર્યા નહોતા. તે દરમિયાન આશરે સવાર 9:11 વાગે સંજય નામના ઈસમે તેમને ફોન કરી જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનની અંદર સંદીપને ઇજાઓ થઈ હતી અને તેમને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા અને 9:35 મિનિટે તબીબોએ સંદીપને મૃત જાહેર કર્યા હતા. પોલીસની કાર્યવાહી અંગે પરિવારજનોને શંકા જતા તેઓએ સીસીટીવી ફૂટેજની માંગણી કરી રહ્યા છે. સંદીપના પરિવારજનોએ નિષ્પક્ષ તથા તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી છે.
પોલીસનો પક્ષ :આ સમગ્ર મામલે સુરત DCP ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, હાલ સુરતમાં વાહન ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે. આ ડ્રાઈવ દરમિયાન અવધ માર્કેટ નજીક ચેકિંગ પોઇન્ટ પર પોલીસ ફરજ બજાવી રહી હતી. તે દરમિયાન એક બાઈક પર ત્રણ યુવકો સવાર થઈને જઈ રહ્યા હતા. તેમના બાઈકની નંબર પ્લેટ પણ ફેન્સી હતી .જેથી તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી. પૂછપરછ દરમિયાન એક યુવક ત્યાંથી નાસી ગયો હતો. જેથી અન્ય બે યુવકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
CCTV ફૂટેજની તપાસ : પોલીસે જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહને પેનલ ડોક્ટરથી પોસ્ટમોર્ટમ કરાવવાનું નક્કી કર્યું છે. આ સમગ્ર તપાસ એ ડિવિઝનના એસીપીને સુપ્રત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસનું કહેવું છે કે, ડિટેન કરાયેલ બાઇક અને યુવાનો પાસેથી કફ સિરપ જેવી દવા મળી આવી હતી.
- Custodial Death Gujarat: ગુજરાતનું કસ્ટોડિયલ ડેથમાં દેશમાં પ્રથમ સ્થાન, 5 વર્ષમાં 81 કસ્ટોડિયલ ડેથ
- કસ્ટોડિયલ ડેથ મામલે ETV Bharatના પ્રશ્ન સામે રાજ્યપ્રધાનની બોલતી થઈ ગઈ બંધ