સુરત: શહેરના સ્નેહલ પટેલનું જંગલ વેસુ વિસ્તારમાં કુલ 16 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ત્યાં તમામ પ્રાણીઓ-પક્ષીઓને પાણી મળી રહે એટલા માટે એક તળાવ પણ બનાવવામાં આવ્યું છે. એ તળાવમાં માછલીઓ અને કાચબાઓ પણ મુકવામાં આવ્યા છે. જો કે, હાલ શહેરીકરણને કારણે વન્યજીવન ખોરવાયું છે.
તેમણે બનાવેલા ફાર્મમાં અમુક પક્ષીઓનું આવન-જાવન બંધ થયું છે, તો એની સામે દુધરાજ (ઝાડના જીવાતોને ખાઈ પાકને બચાવનાર), હુપ્પુ (જમીન પરના જીવાતોને ખાઈ પાકને બચાવનાર), ચામાચીડિયા જેવા પક્ષીઓ તેમજ નોળિયો, જંગલી બિલાડી જેવા પ્રાણીઓનું પ્રમાણ વધ્યું છે. વળી ઘુવડ જેવા પક્ષીઓનું પ્રમાણ તાંત્રિક વિદ્યાની અંધશ્રદ્ધાને કારણે ઘટ્યું છે. જેને લઈને ઉંદરોનું પ્રમાણ વધ્યું છે. સાપનું પ્રમાણ પણ શહેરીકરણને કારણે ઘટી રહ્યું છે. આ જંગલમાં અંદાજે 40 જાતના પક્ષીઓ અને 30 જાતના પતંગિયાઓ જોવા મળે છે.