સુરત:વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બે ઈસમોએ કરીયાણાની દુકાનમાં ઘુસી તેલના બે ડબ્બાની લૂંટ ચલાવી હતી આ દરમ્યાન દુકાનદાર પર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જો કે બીજા દિવસે તેલનો ડબ્બો પરત કરી પોલીસ ફરિયાદ કરી તો દુકાન સળગાવી દેવાની ધમકીઓ આપી હતી. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચપ્પુની અણીએ તેલના ડબ્બાની લૂંટ:મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટી ખાતે રહેતા 36 વર્ષીય કેવલરામ લાલરામ ચૌધરી ઘરની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર કરીયાણાની દુકાન ચલાવે છે. ગત 15 મી ઓગષ્ટની સાંજે 8 વાગ્યે એક ઈસમ મોઢે રૂમાલ બાંધીને દુકાને આવ્યો હતો અને તેણે દુકાનનું શટર બંધ કરીને માલિક પાસે તેલના બે ડબ્બા માંગ્યા હતા. આ દરમ્યાન દુકાનની બહારથી એક ગ્રાહક અને દુકાન માલિકનો દીકરો અંદર આવતા દુકાન માલિકને ત્રણ વખત છરો મારવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી દુકાન માલિક કેવલરામ ગભરાઈ ગયા હતા અને તેલના ડબ્બા લેવા ગયા હતા આ દરમ્યાન ત્યાં બીજો ઈસમ પણ મોઢે રૂમાલ બાંધીને ઉભો નજરે ચડ્યો હતો.