સુરતઃ દિલ દીવાના બિન સજના કે માને ના... આ ગીત તમે મેને પ્યાર કિયા ફિલ્મ સાંભળ્યું હશે, પરંતુ હાલ આ ગીતની ધૂન તો એ જ રહી છે પરંતુ તેના શબ્દો બદલાઈ ગયા છે અને હવે આ નવા શબ્દો સાથેનું ગીત સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યું છે.
ગણિત પર્યાવરણના આ શિક્ષક ગીત ગાઇ લોકોને કોરોના અંગે જાગૃત કરે છે વાત કંઈક એમ છે કે, સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોને હાલ ધન્વંતરી રથ પર કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે સુરતમાં રહેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા 22 વર્ષથી ફરજ બજાવતા દિપકભાઈ ચૌધરી સુરતના પર્વત પાટિયા ખાતે ફરજ પર હાજર હતા અને તેઓએ એક ગીત ગાયું જે હાલ ખૂબ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. આ ગીતના શબ્દો હતા માનો પ્યારે મોદીજી કા યે કેહના, યે કોરોના હૈ, આસાની સે જાયે ના... આ ગીતની ધૂન મેને પ્યાર કિયા ફિલ્મના ગીત દિલ દીવાના બિન સજના કે માનેના જેવી જ છે. બસ તેના શબ્દો કોરોના પર આવી ગયા છે.દિપકભાઈએ જણાવ્યું હતું કે, લોકો કોરોના અંગે જાગૃત થાય તે હેતુથી તેઓએ તેમના સાથી મિત્ર મહેશભાઈ લંકાપતિ સાથે મળી આ ગીત તૈયાર કર્યું છે. સુરતમાં કોરોનાની જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે અને અમને અહીંયા કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે કોરોનાને લઈને લોકો જાગૃત થાય તે માટે અમે એક ગીત બનાવવાનું વિચાર્યું હતું અને આ ગીત અમે દરેક જગ્યાએ ગાઈને લોકોને જાગૃત કરીએ છીએ. દિપકભાઈ હાલ સુરતમાં આવેલા માન દરવાજા ખાતે આવેલી શીક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે અને તે વિદ્યાર્થીઓને ગણિત પર્યાવરણ સહિતના વિષયો ભણાવે છે. હાલ તેઓનું આ ગીત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે, ત્યારે તેઓ ખુશ છે અને સાથે જ લોકોને અપીલ કરી છે કે, કોરોનાને લઈને લોકો જાગૃત થાય અને જરાક પણ બેદરકારી ન રાખે.