કામરેજ ગ્રામ પંચાયત કચેરીમાં તસ્કરો ત્રાટક્યા સુરત :જેમ જેમ શિયાળાની ગુલાબી ઠંડી જામી રહી છે, તેમ તેમ તસ્કરો પણ સક્રિય થઈ ગયા છે. સુરતમાં એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો લોકોની ઊંઘ હરામ કરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. આ વખતે કામરેજ ગ્રામ પંચાયતને તસ્કરોએ નિશાન બનાવી હતી.
કામરેજ ગ્રામ પંચાયતમાં ચોરી :આ બનાવની મળતી માહિતી અનુસાર કામરેજ ગ્રામ પંચાયત કચેરીના પાછળના દરવાજાનું લોક તોડી તસ્કરો પંચાયતમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ કચેરીના ટેબલના ખાનામાં રહેલા ઘરવેરા વસૂલાત, જન્મ-મરણ અને લગ્ન નોંધણી અંતર્ગત આવેલ 1 લાખ 4 હજાર રોકડની ચોરી કરી હતી. તેમજ તલાટી કમ મંત્રીની ઓફિસના દરવાજાનો કાચ કાઢી ગ્રામ પંચાયતોમાં લગાવેલ CCTV કેમેરાનું DVR ચોરી કરી ભાગી ગયા હતા. જોકે તસ્કરોએ પંચાયતના કોઈપણ દસ્તાવેજી પુરાવાને નુકસાન પહોંચાડ્યું નહોતું.
ગત રાત્રે તસ્કરોએ પંચાયતની ઓફિસમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તેમજ મારી ઓફિસનો કાચ તોડી CCTV કેમેરાનું DVR પણ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે. -- બાબુભાઈ (તલાટી કમ મંત્રી, કામરેજ ગ્રામ પંચાયત)
પોલીસ ફરિયાદ : આ સમગ્ર ઘટનાની જાણ કામરેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા કામરેજ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારેે પોલીસે હાલ આ મામલે તપાસ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ગ્રામ પંચાયત કચેરીમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ ગાયબ થયું હોવાથી પોલીસ તપાસમાં ભારે સમસ્યા આવી શકે તેમ છે.
ભેજાબાજ તસ્કરોનું કારનામું :આ અંગે કામરેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી બાબુભાઈએ જણાવ્યું હતું કે, ગત મોડી રાત્રે તસ્કરોએ ગ્રામ પંચાયતની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તેમજ મારી ઓફિસનો કાચ તોડી CCTV કેમેરાનું DVR પણ લઈને ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ અમારા દ્વારા કામરેજ પોલીસને કરવામાં આવી છે.
- નવી પારડી ગામે પાસે લકઝરી બસના ચાલકને ઢોર મારનાર ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો
- સુરતમાં ચોરીનો મોબાઇલ બન્યો યુવકના મોતનું કારણ, જાણો એવું તો શું બન્યું...